કચ્છઃ હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી 3 દિવસ હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અબડાસા અને ગાંધીધામ તાલુકામાં અડધોથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
1.5 ઈંચ વરસાદઃ કચ્છના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ ઉકળાટ પણ અનુભવાયો હતો. ભુજ અને નખત્રાણા તાલુકાના ગામોમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ભુજ તાલુકાના વડવારા પાસે નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં ભારે પાણી આવ્યા હતા. નદી બે કાંઠે થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. નખત્રાણા પાસે આવેલા કચ્છના પ્રખ્યાત પાલારધુના ધોધમાં વરસાદી પાણીનો ધોધ જોવા મળ્યો હતો. ભુજના મોટા બંધ વિસ્તારમાં પણ પાણીની આવક જોવા મળી હતી.
ગામડાં પણ થયા તરબોળઃ કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક છૂટીછવાયો વરસાદ, તો ક્યાંક ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા છે.મુન્દ્રા તાલુકાના બારોઈ, પ્રાગપર ચોકડી ગુંદાલા ભૂજપુર ઝરપરામાં વરસાદ નોંધાયો હતો તો માંડવીના ગઢસીસા, મોટી તુંબડી, ગાંધીગ્રામ, મોમાઈ મોરા, મકડાં, શેરડી ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના કુકમા, માનકુવા, સુખપર, મિરજાપર જેવા ગામડાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગે 7 દિવસની કરેલ આગાહીમાં ગુરુવારથી શનિવાર સુધીના સમયગાળામાં કચ્છના ઘણાખરા વિસ્તારમાં હળવોથી મધ્યમ તો અન્ય સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનન રાખીને શુક્રવાર સુધી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.