કચ્છ : સામૂહિક આત્મહત્યાના બનાવમાં માસૂમ બાળકો સાથે માતાની આત્મહત્યાથી પંથકમાં ચકચાર મચી હતી. ભુજ તાલુકાના કુકમા ગામે સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાના સમયગાળામાં એક માતાએ પોતાના દીકરા દીકરી સહિત આત્મહત્યા કરી હતી.
સંતાનોની હત્યા માતાની આત્મહત્યા : કુકમાની આહીર સમાજવાડી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સંગીતાબેન વિજય દેત્રોજાએ તેમની 4.5 વર્ષની દીકરી સંધ્યા તથા 1.5 વર્ષના પુત્ર રાજવીરની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી હતી. પોતાના મકાનમાં લટકતી લાશો મળતાં કુકમા ગામમાં ચકચાર મચી છે તેમજ હતભાગી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
પધ્ધર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી : પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પધ્ધર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક સંગીતાબેને મકાનમાં લોખંડની પાઈપની આડી સાથે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો પ્રાથમિક તારણ મુજબ સંગીતાબેને પહેલાં પોતાના બે માસૂમ બાળકોની હત્યા કરી હશે ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે. જોકે હજુ સુધી આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોલીસે પરિવારજનોના નિવેદનો સહિતની તપાસ હાથ ધરી છે.
સાધારણ સ્થિતિનો પરિવાર : સંગીતાબેન પોતાના પતિ અને સાસુ સાથે કુકમા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતા. સંગીતાબેનના પતિ અને સાસુ કેટરીંગ સર્વિસમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આમ તો પરિવાર મૂળ બોટાદના બરવાળાના વતની છે. આજે બપોરે સંગીતાબેનના પતિ અને સાસુ કેટરિંગના ઓરડીમાં કામ કરવા નીકળ્યા હતાં તેના અડધા કલાક બાદ જ આ સામૂહિક આત્મહત્યાનો બનાવ બહાર આવ્યો હતો.