તાપી: નદી, નાળા, તળાવોમાં સામાન્ય રીતે જોવા મળતી જડકુંભી દિનપ્રતિદિન એક સમસ્યા બનતી જાય છે, ભારત દેશમાં તેના ફાયદાઓ કરતા તેના ગેરફાયદાઓ વધુ હોય તેવું લાગે છે. કારણ કે, તે જળચર વનસ્પતિ અને માછલીઓ પર વિપરીત અસર કરવાની સાથે પાણીના ઘટતા સ્ત્રોતમાં પણ વિપરીત અસર પહોંચાડે છે. અને તે ઝડપથી ફેલાતી હોવાથી તેને દૂર કરવી પણ એક પડકારજનક બાબત બની છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત: જડકુંભી અથવા તો કાનફુટી નદી,નાળા ,તળાવો કે જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાયેલ રહેતું હોય, અથવા તો પાણીનો પ્રવાહ ધીમો હોય ત્યાં જોવા મળતી હોય છે. આ વનસ્પતિ જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોના એક અનુમાન મુજબ, એક છોડ વર્ષે એક એકરમાં ફેલાય જાય છે. આ વનસ્પતિ જીવસૃષ્ટિ માટે કેટલી ફાયદાકારક છે ? તેના થી શુ નુકશાન છે ? તે જાણવા માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સી.ડી.પંડ્યાને મળી જડકુંભી વનસ્પતિ અંગે વિસ્તૃત જાણકારીઓ મેળવવાની કોશિશ કરવામાં આવી છે.
તળાવ કે નદીમાં 15 વર્ષ સુધી રહે છે: ઉલ્લેખનીય છે કે,જડકુંભીના પાન 15 થી 20 સે.મી જેટલા લાંબા હોય છે, અને જે પાણીમાં તરતાં રહે છે. જડકુંભીના જે છોડ છે તેનાથી ત્રણ થી ચાર હજાર જેટલા બીજ ઉત્પન્ન થાય છે. અને આ તળાવ કે નદીમાં 15 વર્ષ સુધી રહે છે. આ એક છોડ એક વર્ષમાં એક એકર વિસ્તાર એટલે કે 40 ગુંઠા જમીનમાં પાણીને ઉપદ્રવિત કરી શકે છે.
દવા માટે ઉપયોગી: તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સી..ડી.પડ્યાએ જડકુંભી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, "જડકુંભી એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ તરીકે કામ કરે છે. જેનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. આ ઉપરાંત તેનાથી ખાતર પણ બનાવી શકાય છે અને જડકુંભિ પાણીને પ્યુરિફિકેશનનું પણ કામ કરે છે. અમેરિકા જેવા દેશોમાં જડકુંભીના પાનનો ખાવામાં પણ ઉપયોગ થાય છે. કારણ કે, તેની અંદર ઈમ્યુનિટી વધારતા ગુણો રહેલા છે.
કિટકો દ્વારા બાયોલોજિકલ ઉપાય: વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જડકુંભી જ્યારે મોટા પ્રમાણમાં ફેલાયેલી હોય છે, ત્યારે નદી કે તળાવમાં જે એક્વેટિક પ્લાન્ટ્સ અને માછલીઓ છે તેના માટે તે વિપરીત અસર કરે છે. કારણ કે, તે ઑક્સીજનને ખેંચી લે છે, તેથી માછલીઓને ઓછો ઑક્સીજન મળે તેનાથી માછલીઓને વિપરીત અસર થાય છે. સાથે સાથે તેનાથી નદી કે તળાવનું પાણી પણ જલ્દી સુકાય જાય છે. જડકુંભીને કંટ્રોલ કરવા માટે બાયોલોજિકલ બેસ્ટ ઉપાય છે. જેના માટેના બે કીટકો છે, (1) નીયોચેટીના ઇકોરની અને (2) નીયોચેટીના બુચી નામના જે કીટકો છે, જેના દ્વારા આપણે તેનું જૈવિક નિયંત્રણ કરી, આ જડકુંભીનું 80 થી 90 ટકા જેટલું નિયંત્રણ થઈ શકે.