બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ થળી જાગીર મઠનો વિવાદમાં ફરી સામસામે ફરિયાદ નોંધાઈ છે. શંકરપુરી બાપુનું બીજા જૂથના લોકોએ અપહરણ કરી ધમકી આપવાનો મામલો સામે આવતા ફરી વિવાદ વધ્યો છે. આ વખતે વિવાદ પોલીસ મથકે પહોંચતા હવે સામસામે ફરિયાદ નોંધાઈ છે.
છેલ્લા ઘણા સમયથી થળી મઠનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં જાગીર મઠના ગાદીપતિ શંકરગિરી બાપુને અમર ભારતી મહારાજ અને તેમના જૂથના માણસો દ્વારા થળી મઠ પરથી અપરણ કરતાં સમગ્ર મામલો શિહોરી પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યાં અપરણકર્તાઓ સામે શિહોરી પોલીસે ફરિયાદ નોંધી છે.
કાંકરેજમાં આવેલા થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યો છે. અગાઉના જાગીર મઠના મહંત જગદીશપુરીનું નિધન થતાં નવા ગાદીપતિ તરીકે બેસવા માટે વિવાદ સર્જાયો હતો. જેમાં વિવાદ વચ્ચે જાગીર મઠ પર ગાદીપતિ તરીકે મહંત શંકર ગીરી બાપુને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને મામલો શાંત પડ્યો હતો. પરંતુ ફરી એકવાર ગાદીપતિ માટે વિવાદ સામે આવ્યો છે. જેમાં જાગીરમઠમાં બેસાડેલા શંકરપુરી મહારાજનું અમરભારતી મહારાજ અને એમના જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ શિહોરી પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
ફરિયાદ પ્રમાણે, વહેલી સવારે જાગીરમઠ પર પહોંચેલા અમર ભારતી મહારાજ અને તેમના જૂથના માણસોએ જાગીરમથ પર લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ તોડી નાખ્યા હતા. સાથોસાથ સમગ્ર જે ઘટના વહેલી સવારે બની હતી, તેનો મોબાઇલ દ્વારા વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો.
જાગીર મઠ પર પહોંચેલા જૂથે શંકરપુરી બાપુને આ મઠ પરથી નીકળી જવા માટે કહ્યું હતું. તેમનો આ મઠ પર કોઈ જ અધિકાર નથી. તેવું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જે બાદ વહેલી સવારે જાગીરમઠના ગાદીપતિ શંકરપુરી બાપુના સેવકો ત્યાં પહોંચતા મામલો ગંભીર બન્યો હતો અને જાગીર મઠ પર આવેલા અમર ભારતી અને તેમના જૂથના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇ તાત્કાલિક ધોરણે શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને થળી મઠ પર મામલો શાંત પાડી શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકરગિરી બાપુને સિદ્ધપુર ખાતેથી પરત લાવવામાં આવ્યા હતા.
બીજી તરફ શંકરગીરી બાપુના અપરણના સમાચાર સાંભળતા જ શિહોરી પોલીસ મથકે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અપહરણ કર્તાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી હતી. આ સમગ્ર ઘટનાને લઈ હાલ શિહોરી પોલીસે મહંત શંકરગીરી બાપુની ફરિયાદના અમરભારતી મહારાજ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 6 લોકોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે બીજી તરફ સામે પક્ષે પણ એટલે કે અમર ભારતી મહારાજ દ્વારા પણ ફરિયાદ આપતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.