જૂનાગઢઃ આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ અને જૂનાગઢના પ્રભારી હીરાભાઈ જોટવા દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તમામ 15 વોર્ડના કાર્યકરોને સાંભળવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ 3 દિવસ ચાલશે. ત્યારબાદ પક્ષના સંગઠન અને ચૂંટણીમાં ઉમેદવારો સંદર્ભે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે.
જૂનાગઢ મનપા ચૂંટણી સંદર્ભે બેઠકઃ આગામી 31મી જુલાઈના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. આગામી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનો સળવળાટ શરૂ થયો છે. આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશના ઉપપ્રમુખ અને જૂનાગઢના પ્રભારી હીરાભાઈ જોટવા એ બંધ બારણે 15 વોર્ડના કાર્યકરો સાથે બેઠક હાથ ધરી છે. જેમાં પ્રત્યેક કાર્યકરને રૂબરૂ સાંભળીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જીતી શકે તેને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવશે. સંભવત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નવરાત્રી બાદ કે દિવાળી પછી યોજાવાની પૂરી શક્યતાઓ છે. તેની વચ્ચે કોંગ્રેસની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-07-2024/21984135_c_aspera.jpg)
પ્રદેશ ઉપપ્રમુખની પ્રતિક્રિયાઃ પ્રદેશ ઉપપ્રમુખ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી હીરાભાઈ જોટવાએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને ઈ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી કઈ રીતે જીતી શકાય સક્ષમ ઉમેદવારો પ્રત્યેક વોર્ડમાં કઈ રીતે આપી શકાય તેને લઈને પક્ષના જે તે વોર્ડના કાર્યકરો પાસેથી તેમના અભિપ્રાયો મંગાવવામાં આવી રહ્યા છે. મનપાની ચૂંટણી લોકસભાની જેમ ઈન્ડિયા ગઠબંધન સાથે લડે તો કેટલા વોર્ડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તેની રણનીતિ પ્રદેશ નક્કી કરશે પરંતુ ચૂંટણીની રણનીતિને લઈને પ્રત્યેક કાર્યકરોના વિચાર 3 દિવસ સુધી સાંભળીને ચૂંટણીમાં કઈ રીતે જીત મેળવી શકાય તે માટેની એક નક્કર નીતિ બનાવવામાં આવશે.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-07-2024/21984135_b_aspera.jpg)
ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડઃ વર્ષ 2019ના જુલાઈ માસમાં યોજાયેલ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના 2 કોર્પોરેટરો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. કેટલાક વોર્ડમાં ચૂંટણીના સમયે કોંગ્રેસના ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચીને પાર્ટીને ઝટકો આપ્યો હતો. કેટલાક વોર્ડ બિનહરી પણ થયા હતા. 5 વર્ષ પૂર્વેની આ ભૂલ કોંગ્રેસ ફરી ન કરે તે માટે ઉમેદવારોની પસંદગીથી લઈને તમામ રણનીતિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આગામી ચૂંટણીમાં ભાજપને મજબૂત ટક્કર આપીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસન માંથી દૂર કરવાની લઈને કોંગ્રેસ કામ કરી રહી છે.