જૂનાગઢ: કેરીની સીઝન જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ આવક અને બજાર ભાવોમાં પણ વધારો અને ઘટાડો સતત નોંધાઈ રહ્યો છે. આજના દિવસે આવકની દ્રષ્ટિએ તાલાલા માર્કેટિંગ યાર્ડ બજાર ભાવોની દ્રષ્ટિએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. હજુ 15 દિવસ કેરીની સિઝન ચાલે તેવી શક્યતાઓ છે તેની વચ્ચે આવક અને બજાર ભાવોમાં પણ હવે વધારો કે ઘટાડો નોંધાઈ શકે છે.
આવકમાં તાલાલા અને ભાવોમાં જૂનાગઢ આગળ: કેસર કેરીની સીઝન હવે તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહી છે. આગામી 15 દિવસ સુધી કેરીની સિઝન હજુ ચાલે તેવી શક્યતાઓ છે, તેની વચ્ચે બજાર ભાવોની દ્રષ્ટિએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને કેરીની આવકની દ્રષ્ટિએ તાલાલા માર્કેટિંગ યાર્ડ આગળ જોવા મળી રહ્યું છે. આજના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 23,750 પ્રતિ 10 કિલો કેરીના બોક્સની આવક થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 1045 ક્વિન્ટલ કેસર કેરીના આવક થઈ છે જેમ જેમ કેરીની સિઝન આગળ વધતી જશે તેમ તેમ આવકમાં વધારો અને બજાર ભાવોમાં ઘટાડો થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
અત્યાર સુધી આવક અને બજાર ભાવ: આજના દિવસ સુધી જૂનાગઢ અને તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક અને તેના બજાર ભાવો પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 4,67,420 પ્રતિ 10 કિલો કેરીના બોક્સની આવક નોંધાઇ છે, તેની સામે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે અત્યાર સુધી કુલ 3 લાખ 10 કિલોના કેરીના બોક્સની આવક થવા પામી છે. ભાવની વાત કરીએ તો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના નીચા 300 અને ઊંચામાં સરેરાશ 800 રૂપિયા બજાર ભાવો બોલાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 10 કિલો નીચામાં 500 રૂપિયા અને પ્રતિ 10 કિલો ઊંચામાં ₹900 સુધીનો બજારભાવ બોલાઈ રહ્યો છે.