જૂનાગઢ: દિવાળી બાદ ગીર વિસ્તારમાં ગોળના રાબડા ધમધમતા હોય છે. ગીરમાં ઉના કોડીનાર અને તાલાલામાં ખાંડ ઉદ્યોગ છેલ્લા બે દસકાથી બંધ થયો છે જેના કારણે તેની જગ્યા ગોળના રાબડાઓએ લીધી છે. જોકે આ વખતે શેરડીના ભાવમાં વધારો થયો છે, પરંતુ શેરડીના ઉત્પાદન પાછળ ખેડૂતોને થઈ રહેલા ખર્ચની સામે મળતા ભાવોને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા મજૂરોની અછતને કારણે પણ રાબડા સંચાલકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
ગીરમાં ગોળના રાબડા થયા ધમધમતા: ગીર વિસ્તારમાં દિવાળી બાદ પારંપરિક રીતે ગોળના રાબડા ધમધમતા થયા છે. ગીર વિસ્તારમાં ઉના કોડીનાર અને તાલાલા વિસ્તારમાં આજથી બે દસકા પૂર્વે ખાંડ ઉદ્યોગ ધમધમતો હતો, પરંતુ કાળક્રમે આ વિસ્તારમાં આવેલ ત્રણેય ખાંડ ઉત્પાદન કરતી સહકારી સંસ્થાઓ બંધ થઈ જતા ખેડૂતો અને ખાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગકારો ગોળના ઉત્પાદન સાથે જોડાયા અને આજે ખાંડનો ઉત્પાદન બંધ થયું છે પરંતુ શેરડીમાંથી ગોળનું ઉત્પાદન થતા આ વિસ્તારના પારંપરિક કૃષિ ઉદ્યોગને જીવદાન મળ્યું છે. દિવાળી બાદ 150 થી 200 જેટલા ગોળના રાબડા ધમધમતા થયા છે, પરંતુ રાબડાના માલિકોને મજૂરોની અછત અને ખેડૂતોને શેરડીના પ્રતિ ટન બજાર ભાવોથી ચિંતા થઈ રહી છે.
દર વર્ષે શેરડીના ભાવોમાં થાય છે વધારો: ગીર વિસ્તારના રાબડા સંચાલકો દ્વારા પ્રતિ વર્ષે શેરડીના એક ટન બજાર ભાવોમાં બજારની સ્થિતિને ધ્યાને રાખીને ક્રમશઃ વધારો કરવામાં આવે છે. હાલ ગોળના રાબડાના સંચાલકો પ્રતિ એક ટન શેરડીના 2500 થી 2600 રૂપિયા ખેડૂતોને ચૂકવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને એક વીઘામાં શેરડીનું ઉત્પાદન કરવા પાછળ સરેરાશ 15 થી 18 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં પ્રતિ એક ટન શેરડીનો બજારભાવ ખેડૂતોને પરવડે તેમ નથી. પરંતુ પારંપરિક રીતે શેરડીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો શેરડીની ખેતી કરવા માટે મજબૂર બની રહ્યા છે. ગોળના બજાર ભાવોમાં પણ પ્રતિ વર્ષ વધઘટ થયા કરે છે જેને કારણે પણ શેરડીના બજાર ભાવો સ્થિર રહેતા નથી.
મજૂરોની અછતને કારણે હજુ રાબડા બંધ: ગીર વિસ્તારમાં 250 કરતાં વધુ ગોળના રાબડાઓ શેરડીની સિઝનમાં ધમધમતા હોય છે, પરંતુ દિવાળી બાદ આજે 150 થી 200 રાબડા કામ કરતા થયા છે. તેના પાછળ આ વિસ્તારમાં ગોળના રાબડા સાથે સંકળાયેલા પરંપરાગત મજૂરોની અછતને કારણભૂત માનવામાં આવે છે. જેને કારણે 50 કરતાં વધુ ગોળના રાબડા આજે શરૂ થયા નથી. પરંતુ ખરીફ સીઝન પૂરી થયા બાદ મજૂરોની ઉપલબ્ધતા થતા આ રાબડા શરૂ થઈ શકે છે તેવી શક્યતા રાબડા એસોસિએશન દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોળના એક ડબ્બાનો ભાવ 750 રૂપિયા: તમને જણાવી દઈએ કે, હાલ રાબડા ધીમે ધીમે ચાલુ થઈ રહ્યા છે. આજના દિવસે ગોળના એક ડબ્બાનો ભાવ 750 રૂપિયા જોવા મળે છે. આમ, સીઝન જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ગોળની માંગ અને શેરડીની જરૂરિયાત અનુસાર ગોળના ભાવમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે. જોકે જો ગોળની બજાર કિંમત દેવ-દિવાળી બાદ ઉંચકાય તો ગોળના ભાવોની સાથે ખેડૂતોને પણ સારી કિંમત મળી શકે છે. જોકે હાલ ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના 2500 થી 2600 રૂપિયા મળી રહ્યા છે. તેમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા હાલના તબક્કે જોવાય રહી છે, પરંતુ શેરડીના બજાર ભાવ વધવાની સ્થિતિ બજારમાં ગોળની જરૂરિયાત અને ગોળના બજાર ભાવો પર આધાર રાખે છે. જો ગોળના બજાર ભાવ વધવાની જગ્યા પર નીચા જાય તો ખેડૂતોને આજે પ્રતિ એક ટન શેરડીના જે બજાર ભાવો મળી રહ્યા છે તેમાં ઘટાડો પણ થઈ શકે છે.
આ પણ વાંચો: