જુનાગઢ: શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, આવા સમયે દૂધ આપતા પશુઓની વિશેષ કાળજી રાખીને દૂધ ઉત્પાદન વધવાની સાથે પશુઓની બીમારીમાં પણ રક્ષણ કરી શકાય છે. શિયાળાના સમય દરમિયાન દૂધ ઉત્પાદન આપતા દૂધાળા પશુઓના ખોરાક રહેઠાણ અને પાણીમાં યોગ્ય વ્યવસ્થાપન કરીને શિયાળાની ઋતુ દરમિયાન દુધાળા પશુઓની તંદુરસ્તી જાળવીને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે
શિયાળામાં દુધાળા પશુઓની વિશેષ કાળજી: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ સમય દરમિયાન અતિ તીવ્ર ઠંડીના કારણે દૂધાળા પશુઓની તબિયતમાં ખોરાક રહેઠાણ અને પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીને દૂધ ઉત્પાદન ક્ષમતા પશુપાલકો જાળવી શકે છે, સાથે સાથે યોગ્ય વ્યવસ્થાપનને કારણે શિયાળા દરમિયાન પશુઓને બીમાર થતાં પણ અટકાવી શકાય છે. શિયાળાના સમય દરમિયાન દૂધાળા પશુઓના રહેઠાણ,ખોરાક અને પાણીનું યોગ્ય અને સમયસર વ્યવસ્થાપન કરીને કોઈ પણ પશુપાલક દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે પોતાના દુધાળા પશુઓની તંદુરસ્તી પણ શિયાળા દરમિયાન જાળવી રાખતા હોય છે. શિયાળા દરમિયાન કોઈ પણ પ્રાણીનો ખોરાક વધી જતો હોય છે, જેની સીધી અૂર દૂધ ઉત્પાદન પર પણ જોવા મળે છે. આવા સમયે યોગ્ય પ્રમાણમાં ખોરાક આપવાથી શિયાળાના દિવસો દરમિયાન દૂધ ઉત્પાદન વધારી પણ શકાય છે.
ખોરાકનું યોગ્ય વ્યવસ્થાપન અને દૂધ ઉત્પાદન: શિયાળા દરમિયાન કોઈપણ પ્રાણીના ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતા વધી જતી હોય છે. આવા સમયે દૂધ આપતા દુધાળા પશુઓમાં ખોરાક તરીકે ખાણદાણ લીલો અને સુકો ચારો પશુઓને આપવામાં આવે તો દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી શકવાની સાથે શિયાળા દરમિયાન દૂધનું ઉત્પાદન વધુ મળી શકે છે, સાથે સાથે આ સમય દરમિયાન પશુઓને મિનરલ ક્ષાર અને વિટામીન યુક્ત અન્ય ખોરાક પણ આપવો જોઈએ, જેમાં પ્રોટીન,ફેટ અને કાર્બોહાઈડ્રેટ મળી રહે તે પ્રકારના ખોરાક દુધાળા પશુઓને આપવાથી શિયાળા દરમિયાન ખૂબ સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. વધુમાં શિયાળા દરમિયાન દુધાળા પશુઓને પીવા માટે હૂંફાળું પાણી આપવાથી પણ દૂધ ઉત્પાદન ક્ષમતા અને તેની તંદુરસ્તી જાળવી શકાય છે.
રહેઠાણ પણ શિયાળા દરમિયાન મહત્વનું: શિયાળાની ઋતુ દરમિયાન દૂધાળા પશુઓને રાખવાનું રહેઠાણ પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ સમય દરમિયાન દુધાળા પશુઓને ઠંડા પવનો અને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારે કંતાન વાળુ આડસ ઊભી કરીને તેમાં દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં તડકો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં શિયાળા દરમિયાન દૂધાળા પશુઓનું રહેઠાણ ભેજ મુક્ત રાખવાથી પણ ફાયદો થઈ શકે છે. જે જગ્યા પર દુધાળા પશુઓને રાખવામાં આવે છે, ત્યાં ભેજનું પ્રમાણ વધારે હશે તો ઠંડી વધવાની સાથે દુધાળા પશુઓને ન્યુમોનિયાનો ખતરો પણ ઉભો થાય છે, જેથી પશુઓનું રહેઠાણ ચોખ્ખું અને દિવસ દરમિયાન તડકો આવે તે પ્રકારે રાખવું જોઈએ.
નાના વાછરડાની પણ વિશેષ કાળજી: શિયાળાની ઋતુ દરમિયાન નાના વાછરડાની પણ વિશેષ પ્રમાણમાં કાળજી રાખવી જોઈએ. દિવસ દરમિયાન નાના વાછરડાઓને તડકો આવતો હોય તે જગ્યા પર રાખવા જોઈએ. રાત્રિના સમયે તેમને કંતાન કે ધાબળા ઓઢાડીને તેનું શરીર ગરમ રહે તેવા પ્રયાસો પશુપાલકોએ કરવા જોઈએ. વધુમાં નાના વાછરડાને દિવસ દરમિયાન માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહે તેની સાથે રિફ્રેશર કે જેને ખાસ દુધાળા પશુઓના વાછરડા માટે બનાવવામાં આવ્યું છે, તેને આપવાથી વાછરડાની તંદુરસ્તી પણ જાળવી શકાય છે.