અમરેલી: જિલ્લામાં સૌથી વધારે કપાસ મગફળી અને ચણાનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જણોસનું વેચાણ કરે છે. જો કે, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
કપાસ કરતાં ચણાના ભાવમાં 60 રૂપિયાનો વધારો: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી બગસરા અને રાજુલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કરતા ચણાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ચણાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ચણાનો ભાવ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1,580 થયો છે, જ્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ આજે 1,520 રૂપિયા થયો છે, જેથી કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં 60 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ 1,211 રૂપિયા સુધી બોલાવ્યો હતો. જ્યારે કપાસનો ભાવ રૂપિયા 1,520 નોંધાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ જણસ લઈને પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. જોકે કપાસના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો સાથે જ કપાસ કરતા ચણાના ભાવમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
માર્કેટિંગ યાર્ડમાં 150 મણ સુધીની આવક: અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં પણ વધારો નોંધાવી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂપિયા 2,000 થી 2,680 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે, તો સાથે જ તલની માર્કેટિંગ યાર્ડમાં 150 મણ સુધીની આવક નોંધાઈ રહી છે.
અહીં નોંધનીય બાબત એ છે કે, મગફળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. તો તેની સામે ચણાના ભાવમાં વધારો થતા ખેડૂતો ખુશીના માહોલમાં છે. આમ, અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો: