ભાવનગર: ગુજરાતમાં બીજા નંબરે સૌથી મોટી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ પરંપરા મુજબ નીકળે છે. ત્યારે ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા સમગ્ર શહેરમાં કેસરિયો માહોલ સર્જવા માટે અને ધાર્મિક માહોલ ઊભો કરવા એક મહિના અગાઉ કમર કસવામાં આવે છે. ભાવનગર શહેરમાં રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અષાઢી બીજના દિવસે કઈ રીતે શહેર ધાર્મિક માહોલમાં ફેરવાશે તેની તૈયારી વિશે જાણીએ.
શહેરમાં લાગ્યા ધાર્મિક પોસ્ટરો સર્કલોમાં: ભાવનગર શહેરમાં આગામી 7 જુલાઈના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે એક મહિના અગાઉ તૈયારી દેવામાં આવે છે. શહેરને ધાર્મિક માહોલમાં ફેરવવા માટે શહેરના જશોનાથ,પાનવાડી, મોતીબાગ, ઘોઘાગેટ ચોક સહિત અન્ય વિસ્તારોમાં ધાર્મિક દેવી દેવતાઓના પોસ્ટરો લગાવવામાં આવે છે. જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરમાં દરેક સર્કલોમાંથી પસાર થતા લોકો પોસ્ટરો જોઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની નજીક આવ્યા હોવાનો અહેસાસ કરે છે. જો કે તેનાથી પણ વધારે તૈયારી ધીરે ધીરે રથયાત્રાના દિવસ નજીક આવતા થવા લાગે છે.
કેવી રીતે બને છે કેસરીયો માહોલ રથયાત્રા પહેલા: ભાવનગર શહેરમાં 39મી રથયાત્રા માટેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ તૈયારીઓ વિશે જણાવતા કહ્યું હતું કે, "ભગવાન જગન્નાથજીની 1986થી શરૂ થયેલી આ રથયાત્રા આ વર્ષે 39મી રથયાત્રા આગામી 7 જુલાઈને રવિવારના રોજ પ્રસ્થાન થવાની છે. એ પહેલા કાર્યાલય અને ધ્વજારોહણ કાર્યક્રમ થાય છે. તે પૈકીના ભાવનગરમાં કેસરીયા માહોલ બનાવવા માટે જુદા જુદા સર્કલોમાં વીર પુરુષો અને ભગવાનના પોસ્ટરો, હોર્ડિંગ લગાડવામાં આવે છે અને લાઈટીંગથી શણગારવામાં આવે છે. આ ઉપરાંત 20થી 25000 જેટલી ધજાઓને ભાવનગરની અંદર આગામી દિવસોમાં લગાડવામાં આવશે અને કેસરીયો માહોલ ઉભો કરવામાં આવશે.
ધજાઓ પણ તૈયાર કરવા લાગે છે સેવા: ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર લાગેલી કેસરી ધજા રાહદારીઓને સંદેશો આપે છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે. મોટી સંખ્યામાં ધજાઓ શહેરમાં લગાવવા માટે પાંચ થી સાત દિવસ સુધી રથયાત્રા સમિતિના સેવકો દ્વારા ધજાઓ તૈયાર કરવામાં આવે છે. દરેક કાર્યકરો દ્વારા પોતાની સેવાનો ફાળો આપીને ધજાઓ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર વીજપોલ, વૃક્ષ, રીક્ષા સહિત અન્ય સ્થળો ઉપર કેસરી ધજાઓ લગાવીને સમગ્ર શહેરને કેસરિયામાં ફેરવવામાં આવે છે.