અમરેલીઃ અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમાર પરિવારો વસવાટ કરે છે અને માછીમારો મધદરિયે માછીમારી કરી પોતાની આજીવિકા મેળવે છે. જાફરાબાદના માછીમારની મધદરિયે તબિયત લથડી હતી જેને તાત્કાલીક સારવારની જરૂર હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ તુરંત બોટ સાથે દરિયામાં પહોંચી યુવાનનો જીવ બચાવે છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે ચાલો જોઈએ.
રાધિકા પ્રસાદ નામની બોટના ખલાસીની મધદરિયામાં અચાનક તબિયત બગડી હતી. તબિયત બગડતા માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તંત્રને જાણ કરી હતી. જેથી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાફરાબાદના દરિયામાં ખલાસીનો જીવ બચાવવા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 19 વર્ષના રોનક બારૈયા નામના માછીમારનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. સ્પીડ બોટ દ્વારા મધદરિયે પહોંચી અને રોનક બારૈયાનો જીવ બચાવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, પોતે માછીમાર સમાજના પ્રમુખ છે અને મધદરિયામાં 12થી 13 નોટિકલ માઈલ દૂર એક રાધિકા પ્રસાદ નામની બોટના ખલાસીની તબિયત બગડી હતી, તેવો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મરીન પોલીસ દ્વારા યુવકનો જીવ બચાવવા 20 થી 30 નોટિકલ માઈલ આ બોટ સુધી પોલીસ કર્મચારી પહોંચ્યી હતી અને યુવકનો જીવ બચાવ્યો હતો. મધદરિયે રેસ્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દરિયાકાંઠે લાવ્યા બાદ ખારવા સમાજની એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર જાફરાબાદ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યાર બાદમાં વધુ સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
કનૈયાલાલ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, જો આ જાફરાબાદ મરીન પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં ન આવ્યું હોત તો યુવકનો જીવ પણ ખોવાયો હોત, પરંતુ જાફરાબાદ પોલીસ તંત્રએ ખૂબ જ સારી મરીન પોલીસની કામગીરી છે. અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જે બદલ પોલીસની કાર્યવાહીને તેમણે બિરદાવી હતી.