અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, 1/1/2025 થી ઓટો રિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત રહેશે અને જે રિક્ષામાં પ્લેગ મીટર ન લગાવેલું કે બગડેલું હોય તો ઓટોરિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં એમ કહેવામાં આવ્યું છે કે પોલીસનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ જ છે આ ભારતના બંધારણની કલમ 14 નું ઉલંઘન કરે છે.
રિક્ષા ડ્રાઇવર એસોસિએશન દ્વારા મીટર અંગે લેવામાં આવેલા નિર્ણયને હાઇકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે. આ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે કિલોમીટરનું અંતર માપવા માટે માત્ર રિક્ષામાં જ અલગ મીટર કેમ લગાવેલું હોવું? જોઈએ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ટેક્સી, મેક્સી કે બસ અને ભારે વાહનો સહિત તમામ પરમીટ ધરાવતા વાહનો અને લક્ઝરી વાહનો માટે પણ કિલોમીટરનું અંતર માપવા માટે અલગ મીટર હોવી જોઈએ.
ઉલ્લેખની છે કે, મીટર લગાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધીની છે અને 1 જાન્યુઆરીથી મીટર લગાવવું ફરજિયાત રહેશે તેવો આદેશ છે. ત્યારે જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન, નવયુગ ઓટો ડ્રાઈવર્સ વેલફેર એસોસિએશન અમદાવાદ અને વડોદરા શહેર અને જિલ્લા રિક્ષા ડ્રાઇવર એસોસિએશન નામના ત્રણ ઓટોરિક્ષા ડ્રાઇવર એસોસિએશને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને રીટ પિટિશન દાખલ કરી છે. અરજીમાં ફ્લેગ મીટર લગાવવામાં નિષ્ફળ રહેલા ઓટોરિક્ષા ડ્રાઇવરને દંડ ફટકારવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઓલા, ઉબર, રેપીડો અને અન્ય આ જ પ્રકારની સેવા આપતી કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ ફક્ત રિક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ ભરવાનું કહે છે, જે રાજ્ય સરકારની ભેદભાવ ભરી નીતિ દર્શાવે છે.
ગત અઠવાડિયે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ માલિકે આ અંગે નિર્ણય લીધો હતો અને અમદાવાદના પોલીસ કમિશનર જીએસ માલિકે આ મામલે જણાવ્યું હતું કે, અમને ઘણી ફરિયાદો મળી છે કે રિક્ષા ચાલકો કોઈ પણ વ્યવસ્થા વિના વધુ પડતા ભાડા વસુલે છે. આથી 1 જાન્યુઆરીથી ટ્રાફિક પોલીસ એવા રિક્ષા ચાલકો પાસેથી દંડ વસૂલસે જેમના વાહનોમાં મીટર લગાવેલું નથી. બીજી વખત ભૂલ કર્યા પછી અને દંડ વસૂલ્યા પછી રિક્ષાની પરમીટ રદ કરવામાં આવશે એટલે હું તમામ રીક્ષા ચાલકોને તેમની રિક્ષામાં મીટર લગાવવાની અપીલ કરું છું.