મહેસાણા: મહેસાણાના ઉંઝાનું APMC એશિયામાં જાણીતું સૌથી મોટું APMC છે. જેમાં હાલની સીઝનમાં વરિયાળીની આવક હવે શરૂ થઈ છે. નવી વરિયાળીના મુહૂર્તમાં 20 કિલો વરિયાળીના ભાવ 42,000 ભાવ બોલાયો હતો. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવી સીઝનની નવી વરિયાળીની આવકની શરૂઆત થઈ ગઈ છે.
આજે નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઉંચી બોલી બોલાવી હતી. ઊંઝા માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશથી ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા.
આજે સૌ પ્રથમ નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓમાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાયો હતો. આમ વરિયાળીનો રેગ્યુલર ભાવ 20 કિલોનો 4000 આસપાસ છે, પરંતુ આજે મુહૂર્તમાં 20 કિલો વરિયાળીનો 42 હજાર બોલાયો હતો.
મહત્વપૂર્ણ છે કે, હાલ સમગ્ર રાજ્યના માર્કેટિંગ યાર્ડ વિવિધ કૃષિ પેદાશોથી ભરપૂર છે, ક્યાંક મગફળી, ડુંગળી, લસણ, કઠોળ સહિત બાગાયતી પાકોની વિપુલ માત્રામાં ભરપુર જોવા મળી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઉંઝા ગંજ બજારમાં વરિયાળીના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.