અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા હાલમાં કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે રવિવારની રાત્રે કોમ્બિંગ કર્યું હતું અને 200થી વધુ ટપોરીઓ અને ગુનેગારો પાસે પહોંચી તેમને અને તેમના મકાનોને તપાસ્યા હતા. સાથે જ તેમને સારા કામ કરી ગુનાખોરીમાં ફરી ના સંડોવા પણ સલાહ આપી હતી. સમગ્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસે વિવિધ નશાના મામલાઓમાં 91 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે દારુના જથ્થા સાથે લક્ઝરી બસ, સ્કુટર, કાર સહિતના વાહનો પણ કબ્જે કર્યા છે. ઉપરાંત પોલીસે 13 જુગારીઓને પણ ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત વટવામાં પોલીસે તાબડતોબ કાર્યવાહી કરતા 33 દારુડિયાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 18 શખ્સો ડ્રંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા હતા.
વટવામાં પોલીસનો જમાવડો, ચેક કર્યા મકાનો
અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનની હદમાં ચારમાળીયા વિસ્તાર ખાતે ખાસ કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની જાતે હાજર રહી, એસીપી 01, પોલીસ ઇન્સ્પે, 04, પીએસઆઈ 10 અને સ્ટાફના આશરે 100 માણસો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ ખાસ કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધી ગુન્હાઓમાં, મિલકત વિરૂદ્ધના ગુન્હાઓમાં, પાસા તડીપાર હેઠળ તેમજ NDPS એક્ટ હેઠળ પકડાયેલા તમામ જાણીતા ગુનેગારોને ચેક કરવાની તથા તેઓના રહેણાંક મકાન ચેક કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પોલીસે ટપોરીઓ અને ગુનેગારોને કર્યા એકત્ર
ચાર માળિયામાં રહેતા તમામ ટપોરી તથા જાણીતા ગુન્હેગારોને એકત્રિત કરી, કાયદામાં રહેવા અને ગેર કાયદેસર પ્રવૃતિઓથી દૂર રહેવા પોલીસની ભાષામાં કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો એવું સમજાવી, સારા કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા અને શાંતિથી રહેવા સમજાવવામાં આવ્યું હતું. આ ખાસ ચેકીંગ દરમિયાન કુલ 25 જેટલા જાણીતા ગુનેગારોને ચેક કરી, ઓળખ પરેડ પણ કરવામાં આવી હતી. ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓમાં પકડાયેલા એમસીઆર, પ્રોહી. બૂટલેગર, નશાના કારોબારમાં પકડાયેલા આરોપીઓ, પાસા તડીપારમાંથી છૂટેલા આરોપીઓ, ઇજા, ખૂનની કોશિષ, ખૂન, જેવા શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અને છૂટેલા આરોપીઓ, મળી કુલ 200 જેટલા જાણીતા ગુન્હેગારોને ચેક કરવામાં આવ્યા હતા. આ ખાસ કોમ્બિંગ દરમિયાન પ્રોહીબિશન એક્ટ હેઠળ દારુના અને કેફી પીણું પીધેલા 33 કેસ, જુગાર ધારા મુજબ 01 કેસ, કેફી પીણું પીને વાહન ચલાવતા (ડ્રંક એન્ડ ડ્રાઈવ) ના 18 કેસ, હથિયાર સાથે ફરતા 19 કેસ, આશરે 1250 જેટલા વાહન ચેક કરી, 41 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા, 42 વાહન ચાલકોને મેમાં આપવામાં આવ્યા, 34 વાહનોની બ્લેક ફિલ્મ દૂર કરવા આવી, આશરે 35 હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો. ઉપરાંત હિસ્ટ્રીશીટર, તડીપાર થયેલા લોકોને ચેક કરવાની સાથે સાથે 32 હોટલો પણ ચેક કરવામાં આવી. આમ, આ મેગા કોમ્બિંગ દરમિયાન 80 જેટલા આરોપીઓ ને પકડી પાડી, કાયદેસર કાર્યવાહી કરી, ધરપકડ કરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા 31 મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ ગરબડી ન થાય અને લોકો તહેવાર શાંતિ પૂર્વક ઉજવી શકે તે માટે કરવામાં આવેલ ખાસ કોમ્બિંગ અમદાવાદ શહેરના બીજા વિસ્તારોમાં પણ ચાલુ રાખવામાં આવશે, તેવું કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા તાજેતરમાં 31 મી ડિસેમ્બર નજીકમાં આવતી હોય, કોમ્બિંગ, વાહન ચેકીંગ અને ખાસ ડ્રાઈવ રાખી, કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી છે.