અમરેલી: જિલ્લામાં સિંહ દીપડાના આંતક વચ્ચે રાજુલાના ઝાપોદર ગામના ખેત મજૂરે પોતાના વ્હાલસોયા બાળકોને વન્યપ્રાણીઓથી બચાવવા માટે એક નવતર કિમીયો અપનાવ્યો છે. જેને જોઈને લોકો પણ આશ્ચર્ય પામી જાય છે. ઝાપોદર ગામના એક પિતાએ પોતાના બાળકોને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે એક પાંજરુ બનાવ્યું છે.
પિતાને ચિંતામાં ઉંઘ હરામ થઈ: રાજુલા પંથકના ઝાપોદર ગામે રહેતા ખેત મજૂર ભરત બારૈયા ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલાા ભરત બારૈયાની પત્નીનું નિધન થતા તેમના 6 બાળકો નોંધારા બન્યા હતા. જેથી પરિવારમાં 5 દિકરી અને 1 દિકરા સહિત વયોવૃદ્ધ બાપને સાચવવાની જવાબદારી ભરત બારૈયાને શિરે આવી હતી. ત્યારે છેલ્લા એક પખવાડિયામાં જાફરાબાદ ખાંભામાં 2 બાળકોને દીપડાએ મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી આ પિતાને પોતાના સંતાનોની ચિંતા સતાવતી હતી. જેથી આ પિતાએ ખેતીકામ દરમિયાન પોતાના સંતાનોને કેવી રીતે સાચવવા તે વિચારે તેની ઉંઘ હરામ કરી નાખી હતી.
પિતાએ સંતાનોને કર્યા સુરક્ષિત: સમગ્ર પંથકમાં દીપડાના આતંકથી બાળકો અને મોટેરાઓ પણ ભયથી ધ્રુજી ઉઠતા હતા. ત્યારે આ પરિવાર વાડી વિસ્તારમાં રહેતો હોવાથી કાચા બારી બારણા વાળા મકાન હોય તેથી પોતાના બાળકોને બચાવવા માટે પિતા ભરત બારૈયાએ એક નવતર પ્રયોગ કર્યો હતો. તેણે બાળકોને દીપડાથી બચાવવા માટે 2 ખાટલા ભેગા કરીને ફરતી લોખંડની જાળીવાળું પાંજરુ બનાવ્યું હતું. જેમાં 6 બાળકો પોતાના પિતા સાથે સૂઈ જાય છે. હિંસક દિપડાના ભય સામે આ રહેણાંકી પાંજરુ આશિર્વાદ સાબિત થયું છે. ત્યારે 6 સંતાનોના પિતા ભરત બારૈયા નિરાંતે ખેત મજૂરી કરી શકે છે. તેમજ રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવું કે અન્ય કામો પણ આસાનીથી કરી શકે છે. ત્યારે આ અભણ ખેત મજૂરે પોતાની કોઠા સૂઝથી આ પાંજરુ બનાવીને પોતાના બાળકોને સુરક્ષિત કર્યા હતા.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કરી પ્રશંસા: પત્નીના અવસાન બાદ બાળકોને હિંસક દીપડાની બચાવવા પિતા ભરત બારૈયાએ બનાવેલું પાંજરું વરદાન સાબિત થયું છે. જ્યારે આ ખેત મજૂરના શ્વાનના 4 બચ્ચાને દીપડો અગાઉ ઉપાડી ગયા બાદ બાળકોને બચાવવા માટે તેણે આવું પાંજરું બનાવવું પડ્યું હતું. વનવિભાગના પાંજરા કરતા બાળકોનું પાંજરું વધુ સુરક્ષિત અને મજબૂત બનાવ્યું હોવાથી, અમદાવાદના વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્યએ પણ આને લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ પણ વાંચો: