રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પર મનપાના ક્વાર્ટરમાં રહેતા યુવાને પોતાની માનસિક બીમાર માતાની સારવારથી કંટાળી ગળે ટૂંપો આપી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. જે બાદ પોતાના સોશિયલ મીડિયામાં ‘આઈએમ કિલ ટુ માય મોમ, લોસ માય લાઇફ, સોરી મોમ, ૐ શાંતિ, મિસ યુ મોમ’ લખી માફી માંગતી પોસ્ટ અપલોડ કરી હતી. પુત્રએ બનાવ અંગે જાણ સૌ પ્રથમ તેના મિત્રને કરી હતી. ત્યાર બાદ મિત્રએ પોલીસ કંટ્રોલને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની માહિતી આપતા ACP વેસ્ટ રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા મનપાના ક્વાર્ટરમાં રહેતા મહિલા (ઉં.વ.46)ની તેના જ પુત્રએ ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પુત્રએ તેના મિત્રને ફોન કરી માતાની હત્યા કર્યા અંગે જાણ કરી હતી. જે બાદ તેના મિત્રએ પોલીસ કંટ્રોલને જાણ કરતા યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાસ્થળે માતાનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાં તેનો પુત્ર પણ હાજર હતો. પોલીસે 108ને બોલાવી તપાસ કરતા તબીબે મહિલાને મૃત જાહેર કરતા પોલીસે પુત્રની અટકાયત કરી મૃતદેહ પોસ્ટમાંટર્મ માટે મોકલ્યો હતો. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત આપી હતી કે, તેને પોતાની માતાની હત્યા નિપજાવી દીધી છે.
પોલીસે હત્યારા પુત્રની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, માતાને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. છેલ્લા એક મહિનાથી માતા દવા લેવાનું બંધ કરી દેતા માનસિક હાલત વધુ ખરાબ બની હતી. તે પોતે કારખાનામાં નોકરી કરતો હોવાથી તેનો પગાર રૂપિયા 20,000 છે. માતાની માનસિક બીમારી વધુ ખરાબ થતા કંટાળી ગયો હતો. જેથી પુત્રએ આ પગલું ભર્યું છે.