રાજકોટઃ રાજકોટનાં TRP ગેમ ઝોનમાં 27 હતા, જેમાં ફાયર NOC નહીં હોવાને લઇ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા હતા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મૂકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. બાદમાં અમદાવાદના કલાસ-1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ, તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર NOCની કામગીરી લાંબા સમયથી ઠપ્પ હતી. જેને લઈ મનપા કમિશનર દ્વારા કલાસ-3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જો કે, હવે અમિત દવેએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પિરીયડ પર છે. 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે.
TRP કાંડ પછી અધિકારીઓમાં ડર કેમ? TRP અગ્નિકાંડ બાદ કોઈપણ અધિકારી જવાબદારી લેવા માગતા નથી તેવી સતત ચર્ચાઓ વચ્ચે અમિત દવેનું રાજીનામું આવી રહ્યું છે ત્યારે અમિત દવેએ જણાવ્યું હતું કે, મારી તબિયત સારી ન રહેતી હોવાના કારણે મેં રાજીનામું મુક્યું છે. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી છે. મારા પિતાનું 15 દિવસ પહેલા અવસાન થયું છે. માતાની તબીયત સારી નથી. પારિવારિક કારણોસર રાજીનામું મુક્યું છે. સ્ટેશન ઓફિસર તરીકે મારી જવાબદારીમાંથી રાજીનામું મુક્યું છે. ફાયરના કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે. સ્ટાફની અછત હોવાના કારણે કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે, મને કોઈ રાજકીય પ્રેશર નથી.