કચ્છ: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા, ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જલેબી ખવડાવી અને ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠકકર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે, આથી સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી છે.
ફ્રીમાં જલેબી વિતરણ: વર્ષ 1956થી ભુજમાં મીઠાઈની દુકાન ધરાવતા અરવિંદભાઈ ઠક્કરે 10 દિવસ અગાઉ 4 જૂનના સાંજે જો NDA ને 400 પાર સીટો મળશે તો ફ્રી જલેબી આપવાની જાહેરાત કરી હતી અને દુકાન પર બેનર લગાવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે, આ અરવિંદભાઈ જલેબીવારાની ગેરંટી છે તેવા લખાણ સાથે 'અબકી બાર 400 કે પાર'ના વિશ્વાસ સાથે મંગળવારે તારીખ 4 જૂનના સાંજે પાંચ વાગ્યાથી મોદી પ્રેમીઓ અને દુશ્મનોને કોઈપણ સર્વે ધર્મ, જાતિ ભેદભાવ વિના નિઃશુલ્ક જલેબી વહેંચશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની ઉજવણી ના કરવા જણાવ્યું હતું તેમજ 400 પાર પણ બેઠકો ના આવતા આ ફ્રીમાં મીઠાઈ વિતરણનો પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેઓ ફ્રીમાં જલેબી વિતરણ કરશે તેવું જણાવ્યું હતું.
ઢોલ વગાડી ફટાકડા ફોડીને વિતરણ: આમ તો અરવિંદભાઈ ઠકકર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે અને અત્યાર સુધી દરબાર ગઢ વિસ્તારની દુકાનોમાં 50થી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે. તો ગઈકાલે ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતા તેની ખુશીમાં પણ આજે એક સાથે બે વાતની ઉજવણીમાં નિઃશુલ્ક જલેબી વિતરણ કર્યુ અને ઢોલ વગાડીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
NDA ને 400 પાર ન આવતા દુઃખ: અરવિંદભાઈ જણાવે છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેઓ તેમના કાર્યથી અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે અને છેલ્લી બે ટર્મથી વડાપ્રધાન તરીકે પણ તેમણે અનેક કામો કર્યા છે. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ 10 વર્ષમાં કંઈ નથી કર્યું અને માત્ર ગરીબી દૂર કરવાની અને સહાય આપવાની ગેરંટી આપી રહ્યા છે. ત્યારે આ વખતે NDA ને 400 પાર ન આવતા તેનું દુઃખ તો છે પરંતુ, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લીધી છે તેની તેમને ખૂબ ખુશી છે.
અંદાજિત 15 કિલો જલેબી ફ્રીમાં વિતરણ: ઉલ્લેખનીય છે કે, અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમને પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું છે. તેમણે અંદાજિત 15 કિલો જેટલી જલેબી ફ્રીમાં વિતરણ કર્યુ તેવું જણાવ્યું હતું.