જૂનાગઢ : આવતીકાલથી પવિત્ર રમજાન માસ શરૂ થઈ રહ્યો છે. ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા રમજાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો 30 દિવસ સુધી અલ્લાહની બંદગીની સાથે દાન-પુણ્ય સહિત ધાર્મિક કાર્યમાં જોડાય છે. વિશ્વનું કલ્યાણ થાય, દેશમાં ભાઈચારો બની રહે અને ભારતની તમામ સીમાઓ સુરક્ષિત રહે તેવી બંદગી સાથે સમગ્ર રમજાન માસ મનુષ્ય સફળતાપૂર્વક પૂર્ણ કરે તેવી શુભકામના મુફ્તી અબ્દુલ મતીને રમઝાન શરૂ થતા પૂર્વે પાઠવી છે.
પવિત્ર રમજાન માસ : ઇસ્લામ ધર્મમાં રમજાન માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કુરાનમાં ઉલ્લેખ છે કે, એક મહિના સુધી અલ્લાહની બંદગી કરવાનો આ મહિનો છે. ગરીબ અને જરૂરિયાતમંદ તમામ લોકોને સેવા-મદદ કરવા માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વનો છે. એક મહિના દરમિયાન અલ્લાહની ઈબાદત સાથે પાંચ વખતની નમાઝ તેમજ બની શકે તેટલા વધુ રોઝા રાખીને અલ્લાહની બંદગી પ્રત્યેક મુસ્લિમ બિરાદરોએ કરવી જોઈએ.
રોઝા રાખવાનો હેતુ : આ મહિના દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવાનો પણ વિશેષ મહિમા છે. રોઝા રાખવાનો હેતુ છે કે, રોઝા રાખવાથી ગરીબોની ભૂખનો અહેસાસ સૌ કોઈ કરી શકે. રમઝાન માસ દરમિયાન અલ્લાહની કરાયેલી બંદગી અને અદા કરવામાં આવેલ પ્રત્યેક નમાઝ ખૂબ જ ફળદાયી બનતી હોય છે. જેથી આ એક મહિના દરમિયાન અલ્લાહની બંદગી અને પાંચ વખતની નમાઝ સમગ્ર દેશવાસીઓની સુરક્ષા અને તેના હિત માટે ખૂબ જ જરૂરી છે.
અલ્લાહની બંદગીનો સમય : જમાયત ઉમેલા હિન્દના મૌલાના મુફતી અબ્દુલ મતીને જણાવ્યું કે, આવતીકાલથી શરૂ થઈ રહેલા રમજાન માસમાં પ્રત્યેક મુસ્લિમ બિરાદરો તેમની શક્તિ અનુસાર અલ્લાહની બંદગી કરવાની સાથે પુણ્ય કાર્યમાં જોડાય. મનુષ્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય તે માટે રમઝાન માસ ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.