સુરત: ઉધના પોલીસ મથક વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવતા અને વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે પોલીસે વ્યાજખોરનો ગુનો દાખલ કર્યો હતો. અગાઉ દાખલ થયેલા ગુનામાં આગોતરા જામીન મેળવી વટભેર ઉધના પોલીસ મથકમાં હાજર થયેલા માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે પોલીસે વધુ એક ગુનો દાખલ કરી તેને તરત જ ઝડપી પાડી તેની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં લીલી કરોડોની સંપતિનો માલિક હોવાનું બહાર આવ્યું છે. તેની પાસે ફાર્મ હાઉસ, 30 વીઘા જમીન, ઓપન પ્લોટ, બે ફ્લેટ, બે થાર ગાડી હોવાનું જાણવા મળ્યું છે.
વ્યાજખોરની હાઇટેક ઓફિસ: ધર્મેન્દ્ર ઉર્ફે લાલી જે ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો કરતો હતો એ ઓફિસનાં તાળાંની ચાવી ન મળતાં પોલીસકર્મીએ ઓફિસના શટરનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર દસ્તાવેજ અને કાગળો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની હાઈટેક ઓફિસમાં કોઈ પ્રવેશ કરી શકે એમ નહોતું, કારણ કે તેની ઓફિસ માત્ર ધર્મેન્દ્રના ચહેરાથી જ ખૂલી શકે છે. લાલીએ પોતાની ઓફિસમાં ફેસલોક રાખ્યો હતો. જ્યારે પોલીસ ઓફિસમાં પ્રવેશવા માટે પહોંચી તો હથોડાથી શટરનું તાળું તોડયા બાદ ધર્મેન્દ્રના ચહેરાથી ફેસલોક અનલોક કર્યા બાદ જ ઓફિસનો મેઈન દરવાજો ખૂલ્યો હતો. પોલીસને લાલીની ઓફિસમાંથી અનેક ફાઈલો પણ મળી આવી હતી.
લાલી પાસે છે 30 વીઘા જમીન: આરોપી વ્યાજખોર લાલીની ઓફિસથી મળી આવેલા દસ્તાવેજ પ્રમાણે તેની પાસે અલથાણ ખાતે 300 સ્ક્વેર ફૂટના બે ફ્લેટ છે. કામરેજ વાવ ખાતે આવેલા ખેતીની જમીનના દસ્તાવેજ પણ મળી આવ્યા છે, જે 30 વીઘા છે. આ વિસ્તારમાં એક વીઘાની કિંમત કરોડો રૂપિયા છે. ઉધના નવસારી રોડ ઉપર આવેલા 5500 વારની ખૂલી જગ્યા છે. આ તમામની કિંમત કરોડો રૂપિયામાં છે.