જુનાગઢ: મહા શિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સાધુ-સંતો અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં મેળાનું સુચારું આયોજન અને પ્લાસ્ટિક મુક્ત મેળો બનવાની સાથે, આ વર્ષે પ્રથમ વખત મેળામાં આવનાર ભાવિકો અને સ્થાનિક લોકોને કેવા પ્રકારનો ફાયદો થાય છે, તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક સંશોધન પત્ર પણ પ્રથમ વખત રજુ કરવામાં આવનાર છે. મેળાના આયોજનને લઈને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવશિયાએ મીડિયાને વિગતો આપી હતી.
મહાશિવરાત્રીના મેળાની તૈયારી
આગામી 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ મહાશિવરાત્રીના મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેને લઈને આજે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને સાધુ સંતોની સાથે સામાજિક સંસ્થાઓ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન થયું હતું.
જેમાં મેળાના સુચારું આયોજનને લઈને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. છેલ્લાં બે વર્ષથી મહાશિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ પ્લાસ્ટિક મુક્ત મેળાનું આયોજન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને મેળામાં સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામ પોતાનો સહયોગ આપે તે વાત પર સહમતિ બની હતી.

પ્રથમ વખત મેળા પર થશે સંશોધન
મહા શિવરાત્રીના મેળા પર પ્રથમ વખત સંશોધન કાર્ય પણ હાથ ધરાવા જઈ રહ્યું છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેળામાં આવતા ભાવિકો અને જુનાગઢ અને આસપાસના સ્થાનિક લોકોને શિવરાત્રીનો મેળો કઈ રીતે ઉપયોગી અને લાભકારક બને છે, તેના પર સંશોધન કાર્ય પણ હાથ ધરવાનું નક્કી થયું છે. મેળા પર આ પ્રકારનું સંશોધન ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. જે મેળો પૂર્ણ થયા બાદ કેટલાક રોચક તથ્યો સાથે બહાર આવશે.

આ સિવાય મેળામાં પીવાનુ પાણી અસ્થાયી ધોરણે ઉભા કરવામાં આવેલા શૌચાલયો અને સાફ-સફાઈની સાથે યાત્રિકોને ઓછી મુશ્કેલી પડે તે માટે મેળાનું આયોજન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક મંદિરો, આશ્રમો, અખાડાઓ, અન્નક્ષેત્રો અને સામાજિક સેવા માટે આવતા તમામ લોકોને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.