રાજકોટ: નવરાત્રિના પર્વને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જુદા જુદા શહેરોમાં અર્વાચીન અને પ્રાચીન ગરબાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે મંગળવારે રાજકોટમાં પણ તેમણે આઠથી વધુ સ્થળોએ ગરબાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ બસમાં મુસાફરી કરી અને ભુજ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકોટમાં એક ગરબા કાર્યક્રમમાં સ્ટેજ પરથી વડોદરાની દુષ્કર્મની ઘટના મામલે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
રાજકોટમાં ગરબા કાર્યક્રમમાં પહોંચ્યા હર્ષ સંઘવી: ગુજરાતમાં નવરાત્રિનું અનેરુ મહત્વ છે, જેમાં રાસોત્સવના આયોજનમાં સૌ કોઈ મન મૂકીને ઝુમતા હોય છે. ત્યારે લોકો સાથે રાજકીય આગેવાનો પણ આ ગરબા આયોજનમાં જોડાતા હોય છે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે પહોંચ્યા હતા. તેમણે જુદા જુદા ગરબાઓની મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટના ખાનગી ગરબાના આયોજન દરમિયાન તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આજે હું જ્યારે ગરબાના સ્ટેજ ઉપર ચડતો હતો ત્યારે મા અંબાને પ્રાર્થના કરી હતી કે વડોદરાની જે ઘટના બની છે, તેના આરોપીઓ ઝડપથી ઝડપાઈ જાય અને ઝડપાયા બાદ તેમને કડકમાં કડક સજા થાય અને હું તો મા અંબાને એટલી પ્રાર્થના કરીશ કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ.
વોલ્વો બસમાં બેસી ભૂજ સુધી મુસાફરી કરી: ત્યારબાદ તેમણે હરિયાણાની જીતને લઈ પણ વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ગરબામાં તેમનું તલવાર આપી અને સાફો પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે રાજકોટથી નવી શરૂ થયેલી વોલ્વો બસમાં બેસી અને ભુજ તરફ કરવાના થયા હતા.
ભૂજ તરફ જતા પહેલા તેમણે નવી આવેલી બસમાં કયા પ્રકારની ટેકનોલોજી છે તે અંગે પણ એસટીના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. તો સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, તમે ગરબા રમો છો અને મોડી રાત સુધી રમો છો તે જેથી કેટલાય વિરોધીઓને વાંધો પડે છે. પરંતુ તમે ગરબા રમતા રહો અને ફાફડા-જલેબીની મજા માણજો.
આ પણ વાંચો: