ગાંધીનગર: સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે. પરિણામે આજે ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગત બે દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના દિશા નિર્દેશન હેઠળ આજે સમગ્ર દેશમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સહકારિતા પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ધરાવે છે.
પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમજ ઉપજના પોષણક્ષમ ભાવ મળે અને તેનું યોગ્ય માર્કેટિંગ થઇ શકે તે માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 412 જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે.
રાજ્યમાં ખેડૂતો દ્વારા અનેક સહકારી મંડળીઓ એટલે કે પેક્સની (PACS) રચના કરવામાં આવી છે. આવી ખેડૂત સહકારી મંડળીઓને અદ્યતન તથા સુદ્રઢ બનાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યની 5,754 થી વધુ પેક્સની પસંદગી કરવામાં આવી છે. આ પેક્સને આગામી સમયમાં ડીઝીટલ કામગીરી માટે કમ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે.
સહકારી મંડળીઓની ઓનલાઈન નોંધણી: રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સહકારી મંડળીઓની નોંધણી માટેના પોર્ટલ પર અત્યાર સુધીમાં 11,000થી વધારે સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત સહકાર વિભાગ દ્રારા પણ સહકારી મંડળીઓ તથા નાણા-ધીરધાર સંલગ્ન કામગીરીને વધુ સુવ્યસ્થિત કરવા માટે ઇ-ઓપરેટીવ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. ઈ-ઓપરેટીવ પોર્ટલ પર અત્યાર સુધીમાં 7,725 નાણાં ધીરધાર કરનારાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે, 28,616 જેટલી સહકારી મંડળીઓ દ્વારા પણ આ પોર્ટલ પરનું લોગીન આઈ.ડી. મેળવીને માહિતી ભરવામાં આવી છે.
આટલા પ્રકારની હોય છે સહકારી મંડળીઓ
- ખેતી વિષયક ધિરાણ મંડળી સેવા/વિ.કા.
- ગોપાલક વિ.કા. સહકારી મંડળી
- દૂધ મંડળી
- બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી
- પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી
- બીજ ઉત્પાદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી
- ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી
- રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં.
- હાઉસીંગ મંડળી
- ગ્રાહક ભંડાર
- મજુર મંડળી
- સામુદાયીક ખેતી મંડળી
- પીયત સહકારી મંડળીઓ
- નર્મદા પીયત સહકારી મંડળી
- વાહન વ્યવહાર સહકારી મંડળી
- ઔદ્યોગિક સહકારી મંડળી
- તમાકુ ઉત્પાદક સહકારી મંડળી
નાગરિક સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીની થાપણમાં અધધ વધારો: ગુજરાત રાજયમાં સહકારી ક્ષેત્રે દિન પ્રતિદિન પ્રગતિ થતી જોવા મળે છે. રાજ્યમાં વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં 6,000 ઉપર ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીઓ રજીસ્ટર્ડ થયેલ છે. ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીઓ તેમના કાર્ય વિસ્તારમાં સભાસદો પાસેથી ડીપોઝીટ મેળવવી અને સભાસદોને ધિરાણ આપવાની પવૃતિમાં સંકળાયેલા છે. ક્રેડીટ સોસાયટી દ્વારા સભાસદોને વિવિધ પ્રકારની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. અને લોકર સુવિધા પણ પુરી પાડે છે.
ઉપરાંત સહકારી ક્ષેત્ર ખેડૂતો અને જરૂરિયાતમંદોને ધિરાણ આપવામાં પણ પાછળ નથી. રાજ્યમાં નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા જરૂરિયાતમંદોને મોટાપાયે ધિરાણ આપવામાં આવે છે તેમજ સભાસદો દ્વારા તેમાં થાપણો પણ મૂકવામાં આવે છે. જે અંતર્ગત બે દાયકા પહેલા નાગરીક સહકારી બેંકોમાં રૂ.16,506 કરોડની તેમજ ક્રેડિટ સોસાયટીઓમાં રૂ. 410 કરોડની થાપણો જમા હતી. આજે નાગરિક સહકારી બેન્કોમાં થાપણો વધીને રૂ. 75,000 કરોડ તેમજ ક્રેડીટ સોસાયટીઓમાં થાપણો વધીને રૂ. 2,900 કરોડ જેટલી થઈ છે. આ ઉપરાંત ગત એક વર્ષ દરમિયાન રાજ્યની વિવિધ સહકારી મંડળીઓના 57,500થી વધુ સભાસદોને રાજ્ય સરકાર દ્વારા તાલીમ આપવામાં આવી છે.