ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ એટલે કે આજ રોજ શરુ થવા જઈ રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં મહત્વના પાંચ બિલો મૂકવામાં આવશે. જેમાં ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. તેમજ રાજકોટના ‘સાગઠિયાકાંડ’થી જાગેલી સરકાર દ્વારા આ સત્રમાં કાયદો લાવવામાં આવશે. અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાતા જ સંપત્તિ જપ્ત કરી લેવાશે અને જામીન માટે પણ આકરા નિયમો આવશે.
ભ્રષ્ટ બાબુઓની સંપત્તિ જપ્ત કરતો કાયદો આવશે: રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમાં પોલીસ તપાસમાં જવાબદાર અનેક અધિકારીઓની સંડોવણી ઉપરાંત અપ્રમાણસર મિલકત પર બહાર આવી છે. હવે સરકાર ભ્રષ્ટ બાબુઓની અપ્રમાણસર મિલકતોનો કબજો કરવા નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. જેમાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતા જ સરકાર તમામ સંપતિ જપ્ત કરી શકશે. સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારની અસંખ્ય ફરીયાદો મળી છે. આવા અધિકારીઓ અનેક કિંમતી જમીનો અને ફાર્મ હાઉસમાં રોકાણ કરતા થઇ ગયા છે. આવા અધિકારી સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ થયા બાદ તેમની અપ્રમાણસર મિલકત જપ્ત કરવા માટે લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. આ બિલ પાસ થયા બાદ એક વખત કેસ દાખલ થાય પછી તરત જ સરકાર કથિત અપ્રમાણસર મિલકત જપ્ત કરી શકશે. તેમજ તેની જામીન માટે પણ આકરા નિયમો આવશે.
વિશેષ કોર્ટ ઊભી કરવાની તાકીદ:મોટી સંખ્યામાં વ્યક્તિઓ ગુના કરવામાં સામેલ થાય છે અને ગુના કરવાના પરિણામે તેમના કાયદેસરના સ્ત્રોતો સિવાયની આવકમાંથી મોટા પ્રમાણમાં મિલકત એકઠી કરે છે. તેઓ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ વધારવા માટે આવી મિલકત અને મિલકતમાંથી થયેલી આવકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. (તેઓ) ફોજદારી કાર્યરીતિ અને મિલકતની જપ્તીમાં થતાં વિલંબને લીધે, આવી વ્યક્તિઓને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ મળે છે. જેનાથી ફોજદારી ન્યાય વ્યવસ્થા (તંત્ર) પર પ્રતિકૂળ અસર પડે છે. તેથી, ફોજદારી કેસની તપાસ સાથે સંકળાયેલી હોવાનું જણાયેલી ઉપર જણાવેલી મિલકતોની ઝડપી જપ્તી માટે એક વિશેષ કોર્ટ ઊભી કરવાની તાકીદની જરૂરિયાત છે.
આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે રાજ્યની ઉપરોક્ત કાનૂની અથવા નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખીને, આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ વિરુદ્ધ મિલકતોની જપ્તી માટેની કાર્યવાહીઓ કરવા માટે વિશેષ કોર્ટની રચના કરવા માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી હોવાનું અનુભવાયું છે. આ વિધેયકથી, ઉપર્યુક્ત ઉદેશો સિદ્ધ કરવા માટે, સદરહુ અધિનિયમ નિયમિત કરવા ધાર્યું છે.