જૂનાગઢ: જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી હવે સમસ્યા સર્જી રહ્યું છે. જૂનાગઢમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારબાદ ઉપલેટા અને ધોરાજી પંથકમાં પડેલા વરસાદને કારણે ભાદર નદીમાં પણ પૂર આવતા પાણી ઘેડ પંથકના 30 કરતાં વધુ ગામોને જળબંબાકાર કરી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદી પૂરનું પાણી જોવા મળે છે.આ તમામ ઘટના વચ્ચે ગામ લોકો મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
મુશ્કેલીની વચ્ચે ઘેડમાં ધબકતું માનવજીવન: ઘેડ પંથક ચોમાસા દરમિયાન વગર વરસાદે પણ જળબંબાકાર થતો જોવા મળે છે. પાછલા 30 વર્ષથી ચોમાસા દરમિયાન ઘેડની આ સમસ્યા આજે પણ યથાવત છે. ત્યારે ઘેડનું માનવ જીવન પૂરના આ પાણીની વચ્ચે પણ સતત ધબકતું જોવા મળે છે.
30 વર્ષથી છે આ સમસ્યા પણ કોઈ નિકાલ નથી: તમને જણાવી દઈએ કે, 30 વર્ષ પૂર્વે જ્યારે પ્રથમ વખત ઘેડ વરસાદી પુરમાં ડૂબવાની શરૂઆત થઈ ત્યારે લોકો એકદમ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરાંત ભયાવહ સ્થિતિથી હતપ્રત થયેલા જોવા મળતા હતા, પરંતુ દર વર્ષે ચોમાસામાં આવતી વરસાદી રેલને કારણે હવે ઘેડ પંથકના 30 કરતાં વધુ ગામડાઓ કે જે જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળે છે આવા ગામો આજે કમર સુધી હોય તેટલા પાણીમાં ડૂબી જાય છે, પરંતુ ઘેડના ખમીરવંતા લોકો મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ કાઢીને આજે પારાવાર મુશ્કેલીની વચ્ચે જીવી રહ્યા છે.
સરકારની અણ આવડત પ્રત્યે લોકોમાં રોષ: 30 વર્ષથી જુનાગઢ અને પોરબંદરનો ઘેડ વિસ્તાર ચોમાસા દરમિયાન સતત જળબંબાકાર થતો હોય છે. ત્યારે સરકારની અણ આવડતને કારણે પણ કેટલાક ગામો સતત પાણીમાં ડૂબી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, ઘેડમાં જળબંબાકાર વચ્ચે પણ જાનમાલનું કોઈ નુકસાન થતું નથી. તેના પાછળનું કારણ એ છે કે, જાનમાલની સુરક્ષા ગામ લોકો પોતાની ખુમારીથી કરતા જોવા મળે છે. કમરડુબ પાણીની વચ્ચે પણ લોકો એકદમ ખુમારી સાથે દિવસો પસાર કરે છે, પરંતુ સરકારની નિષ્ક્રિયતા અને ઘેડ પંથકમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપન અને તેનો નિકાલ નહીં થવાને કારણે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
ઘેડને ડૂબતું બચાવવા સરકારને માંગ: ઓસા ગામ નજીક અમરાપુર સિંચાઈ યોજનાના દરવાજા છે તેને સરકાર ખોલી નાખે તો માંગરોળ પંથકના બગસરા ઘેડસરમાં ઘોડાદર, ભાથરોટ અને સામરડા સહિત અન્ય કેટલાક ગામો આ કુદરતી રીતે પૂરના પાણીમાં ગરકાવ થતા બચી શકે છે. સરકારની દીર્ઘદ્રષ્ટિ ઘેડ પ્રત્યે આજે પણ ઉદાસીન જોવા મળે છે. જેને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડની આ ખમીરવંતી પ્રજા સરકારની નાકામી સામે એકદમ મજબૂતાઈથી ઊભી રહે છે અને કુદરતે મોકલેલી સમસ્યા હિંમતભેર સામનો કરીને પાર પણ પાડે છે પરંતુ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિથી હવે લોકોની ધીરજ પણ ખુટી રહી છે અને સરકાર તાકીદે ઘેડને ડૂબતું બચાવવા માટે કોઈ વિકલ્પનો વિચાર કરે તેવી માંગ પણ કરી રહ્યા છે.