ગાંધીનગરઃ સુરતમાં દાખલ થયેલા એક ગુનામાં CID ક્રાઈમના PSI દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માટે ગાંધીનગર આવ્યો હતો. અહીં નવસારીથી ગાંધીનગર પહોંચેલ ACB ટીમની ટ્રેપમાં 40,000ની લાંચ લેતા રંગે હાથે PSI ઝડપાઈ ગયા છે.
સમગ્ર ઘટનાક્રમઃ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની CID ક્રાઈમના સુરત ઝોનમાં એક ગુનો નોંધાયો હતો. CID ક્રાઈમના સુરત ઝોનના પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સમયે ફરિયાદીના કોમ્પ્યુટર અને લેપટોપ તથા મોબાઈલ સહિતને સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. ગુનાની તપાસ કરી રહેલા PSI જગદીશ તુલસી ચાવડાએ મુદ્દામાલ છોડવા માટે લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણી થતાં જ ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. ACB ટીમ દ્વારા ગાંધીનગરમાં જ ટ્રેપ ગોઠવવામા આવી હતી. ગાંધીનગરના સેક્ટર 11માં આવેલ સહયોગ સંકુલના પાર્કિંગમાં PSI જગદીશ ચાવડા 40 હજાર લાંચની રકમ લેવા માટે આવ્યા હતા. જે રકમ સ્વિકારતા જ ACBની ટીમ દ્વારા તેમને ઝડપી લેવાયા હતા. ACB ટીમે લાંચ લેતા ઝડપાયેલા PSIની સાથે અન્ય કોઈનું કનેક્શન છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરી છે.
50,000ની લાંચ માંગી હતીઃ PSI જગદીશ ચાવડાએ ફરિયાદીના જમા લીધેલા ઉપકરણોને CIDના કબજામાંથી છોડાવવા માટે 50 હજાર રુપિયાની માંગ કરી હતી. PSI ચાવડાએ 10 હજાર રુપિયાની રકમ લઈ લીધી હતી. બાકીના 40,000 રુપિયાનો વાયદો કરવામાં આવ્યો હતો. જે રકમ લેવા જતાં PSI ચાવડા ACB ટીમની ટ્રેપમાં આબાદ સપડાઈ ગયા હતા.