વડોદરા: ભારતના દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. સેવાસીથી મહાપુરા રોડ ખાતે આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાનેથી શણગારેલી સબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નિકળી હતી જે કીર્તિ મંદિર ખાતે પહોંચી તેમના અંતિમસંસ્કારની વિધિ સંપન્ન કરી હતી.
અગ્નિદાહ આપતા જ લોકો ભાવુક થયા: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. અંશુમાન ગાયકવાડની અંતિમ યાત્રા કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે હાજર રહ્યા હતા. સાથી મિત્રોએ મિત્રની ચિતા પર લાકડા મૂકી મિત્રને વિદાય આપી હતી. અગ્નિદાહ આપતા જ લોકો ભાવુક થયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
અંશુમાનના પિતા ભારત માટે 11 ટેસ્ટ રમ્યા: અંશુમાનના પિતા દત્તાજીરાવે 1952થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેઓ 1959માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ હતા. તેઓનું 96 વર્ષની વયે નિધન થયું હતું. દત્તાજીરાવ રાઇટ હેન્ડેડ બેટર હતા. તેમણે 1952માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમણે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961માં પાકિસ્તાન સામે ચેન્નઈમાં રમી હતી.