અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અમદાવાદની એક દિવસીય મુલાકાતે છે. નિર્મલા સીતારમણે મીડિયા મીટમાં રાજકારણ, વૈશ્વિક મુદ્દા, અર્થતંત્ર, દ્રવિડ પોલિટિક્સ, બ્રિક્સ કરન્સી, રોજગારી અને મેન્યુફેકચરિંગ મુદ્દે જવાબો આપ્યા હતા. તેમના જવાબોમાં રાજકારણ અને રાજકીય કૂનેહ જોવા મળે છે.
મેન્યુફેકચરિંગ સેક્ટર માટે સરકાર કટિબદ્ધઃ નાણાં પ્રધાન નિર્મલા સીતરમણે ભારતના અર્થતંત્ર વિશેના પ્રશ્નો ઉત્તર આપતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઝડપથી વિકસતી ઈકોનોમી છે. વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા આર્થિક રિફોર્મર છે. હાલમાં ટેસ્લા પણ ભારત આવે છે ત્યારે ભારત સરકાર કેવી સુવિધા આપવાની છે એ પ્રશ્નના જવાબમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, એલન મસ્ક હોય કે અન્ય વિદેશી ઉદ્યોગકારો આવશે તો તેની સંપૂર્ણ પ્રક્રિયા દેશની નીતિને આધીન થશે. છેલ્લાં દસકાથી મોદી સરકાર મેન્યુફેકચરિંગ સેક્ટરના વિકાસ માટે કટિબદ્ધ છે.
MSME અંતર્ગત 45 દિવસમાં ચૂકવણી મુદ્દે ખુલાસોઃ MSME અંતર્ગત 45 દિવસમાં ચૂકવણી સામે વેપારીઓનો વિરોધ છે એ પ્રશ્ન અંગે નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો કે, હાલ દેશમાં MSME અંતર્ગત 45 દિવસની અંદરની ચૂકવણીની કાયદો 2007-2008થી અમલમાં આવ્યો છે. જ્યારે દેશમાં યુપીએ સરકારનું રાજ હતું. હાલ MSME અંતર્ગત વેચનાર-ખરીદનારને 45 દિવસની અંદર બિલ ચૂકતે કરવાનો કાયદો છે. MSME સાથે સંકળાયેલા વેપારીઓ આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કાયદો દૂર કરવા અંગે કેસ ચાલી રહ્યો છે ત્યારે MSME અંતર્ગત 45 દિવસમાં ચૂકવણી બાબતે નિર્મલા સિતારમણે ખુલાસો કર્યો હતો કે, આ કાયદાના નિયમોથી MSMEને કોઈ નકારાત્મક અસર ન થાય એ બાબતે મોદી સરકાર પણ ઈચ્છુક છે. અમે સરકાર તરીકે ફક્ત એટલું કહીએ છીએ કે, જે નાણાંકીય વર્ષમાં વેપારી પેમેન્ટ કરે એ જ વર્ષમાં એ ટેક્સ ક્લેઈમ કરે. MSME અંતર્ગત આ કાયદા છતાં પણ ટેક્સ સ્ટ્રક્ચર પહેલા જેવું જ છે. MSME બાબતે સરકારનો ઈરાદો, યોજનાનો લાભ અને ટેક્સના દરમાં કોઈ બદલાવ નથી.
વડાપ્રધાન મોદી દરેક રાજ્યનો વિકાસ ઝંખે છેઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશનો વિકાસ ઝંખે છે. જે રાજ્યોમાં બિન-ભાજપી સરકાર હોય એ રાજ્યમાં પણ વિકાસ માટે સંસાધનો ફાળવે છે. કોંગ્રેસ વડાપ્રધાન મોદી સામે ખોટા મુદ્દા ઊભા કરીને લોકોને ભરમાવા માટે દુષ્પ્રચાર કરે છે. જેના કારણે દેશના નાગરિકોને કોંગ્રેસ પર ભરોસો નથી.
તામિલનાડુના દ્રવિડ રાજકારણ મુદ્દે નિવેદનઃ તામિલનાડુના દ્રવિડ પક્ષના રાજકારણીઓ છેલ્લા 60 વર્ષથી પોતાના હિત માટે સતત હિંદુ, સનાતન અને હિન્દીનો વિરોધ કરતા રહ્યા છે. નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફન્સમાં ઉત્તર-દક્ષિણ રાજ્યો વચ્ચે કેમ રાજકારણ થાય છે એ પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. નિર્મલા સીતારમણ પોતે તામિલનાડુના છે અને કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે ઉમેર્યુ હતું કે, તમિલનાડુના ઉદયનીધિ એ દ્રવિડ રાજકારણ કેટલું હિદુ, હિન્દી અને સનાતન વિરોધી છે એ અંગે સતત નિવેદનો કરીને દેશને જણાવે છે.
ઈન્ડી ગઠબંધન પર વાકપ્રહારઃ નિર્મલા સીતારમણે આ પ્રસંગે ઈન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ફ્લેગ પણ કોંગ્રેસીઓ ફેલાવતા નથી, ઈન્ડી ગઠબંધન પહેલેથી માત્ર શબ્દોમાં હતું. દેશમાં કોંગ્રેસ સહિતનું ઈન્ડી ગઠબંધનને એક એજન્ડા જ છે. જેમાં મોદી ને હરાવવાની વાત છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાના પક્ષનો ફ્લેગ કેરળમાં ફરકાવી શકતા નથી તો રાહુલ દેશ કેવી રીતે ચલાવશે? કેરળમાં ઈન્ડી ગઠબંધનના સભ્ય સીપીએમ કોંગ્રેસ સામે ચૂંટણી લડે છે. કેરળ સ્થિત મુસ્લિમ લીગ કોંગ્રેસ ફ્લેગ ફરકાવતી નથી ત્યારે કોંગ્રેસ કેન્દ્રીત ઈન્ડી ગઠબંધનનું અસ્તિત્વ જ રહ્યું નથી.
ભાજપના 400 પારના નારાથી કોંગ્રેસ ડર્યુઃ 2024માં ફીર એક બાર મોદી સરકાર અને અબ કી પાર, 370 કે પાર, એનડીએ 400 કે પારના નારાથી કોંગ્રેસ ડરી ગયું છે એમ નિર્મલા સીતારમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના ભાજપ વિરોધી નિવેદનને દેશ નકારે છે. કોંગ્રેસ કહે છે કે, ભાજપ 150 બેઠકો પણ નહીં લાવી શકે. આમ કહીને કોંગ્રેસ ખુદ નિરાશા અને દિશાહિનતા દર્શાવે છે. કોંગ્રેસ 100ની અંદર જ રહેશે. જો કોંગ્રેસ કહે છે કે, ઈવીએમથી ભાજપ જીતે છે તો કોંગ્રેસ કર્ણાટક, તેલંગાણામાં કેવી રીતે જીત્યુ ? દેશના ચિફ ઈલેક્શન કમિશ્નરે પણ ઈવીએમમાં કોઈ જ પ્રકારનું હેકિંગ થઈ શકતું નથી એમ કહ્યું છે.
ભારતના રુપિયાની નબળી સ્થિતિ મુદ્દે જવાબ આપ્યોઃ દેશની કરન્સી અમેરીકી ડોલરના મુકાબલે નબળી કેમ પડતી જાય છે એ પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, વિશ્વમાં હાલ 3 સ્થળે યુદ્ધો ચાલી રહયાં છે. જેની સીધી અસર અમેરીકી ડોલરના મૂલ્ય પર પડે છે. તેથી અમેરીકી ડોલરની સરખામણીએ ભારતીય કરન્સી નબળી પડી છે. ભારતની કરન્સીનું મૂલ્ય યુરો અને યેન સહિત અન્ય દેશોની કરન્સી સામે સ્થિર છે. બ્રિક્સ કરન્સી ક્યારે અમલમાં આવશે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાને નિર્મલા સીતારમણે કહ્યું કે, હું આ બાબતે હાલ અજાણ છું. અત્યારે હું કંઈ કહી શકું એમ નથી. દેશની દરેક રાજકીય પાર્ટી ઈલેકટોરલ બોન્ડ ખરીદે છે અને એની સંપૂર્ણ વિગતો રાજકીય પક્ષો અને બોન્ડ આપનાર કંપનીઓના એકાઉન્ટમાં જ હોય છે.
દેશમાં બેરોજગારીનો ડેટા ભરોસાપાત્ર નથીઃ દેશમાં એક તરફ વિદેશી રોકાણ આવતું જાય છે. દેશ ગ્લોબલ ઈકોનોમી બનતો જાય છે પણ સામે દેશમાં બેરોજગારી વઘતી જાય છે. આ પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે, દેશમાં કેટલી બેરોજગારી છે એ અંગેનો કોઈ આધારભૂત ડેટા કે કોઈ સોર્સ ઉપલબ્ધ નથી. આ ગર્વની બાબત નથી. આ બાબતે દેશમાં ઈનએડીક્વેટ (અયોગ્ય) ડેટા છે. જો કે મોદી સરકારે દેશમાં 10 લાખ લોકોને સરકારમાં નોકરી આપી છે. 70 હજાર સ્ટાર્ટઅપ અને 100થી વધુ યુનિકોર્ન કંપનીઓ રોજગારી સર્જી રહી છે.
યુદ્ધનો સંરજામ ભારત નિકાસ કરે છેઃ ભારતના ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયાનો કેટલો અમલ થાય છે એ પ્રશ્નના જવાબમાં નાણાં પ્રધાને કહ્યું કે, દેશમાં આપણે હવે સંરક્ષણ અને સલામતી બાબતે આત્મનિર્ભર થતા જઈએ છીએ. મોદી સરકારના શાસનમાં દેશે 23 હજાર કરોડના ડિફેન્સ પ્રોડકશન અને યુદ્ધ સરંજામની અન્ય દેશોમાં નિકાસ કરી છે. દેશમાં ફુગાવો છેલ્લા 10 વર્ષમાં વધ્યો નથી તે મોદી સરકારની સિદ્ધિ છે. મનમોહન સરકારના સમયે દેશનું અર્થતંત્ર વિશ્વમાં છેક તળીયાના 5 દેશોમાં હતું. જે છેલ્લા દસકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નીતિગત નિર્ણયો અને ગવર્નન્સના કારણે આજે વિશ્વની સૌથી શક્તિશાળી પહેલા 5 દેશોની યાદીમાં પાંચમાં ક્રમે છે.