વડોદરા: શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ચોમાસાની ઋતુમાં બીજી વખત સમગ્ર શહેર જળબંબાકાર બન્યું છે. આ દરમિયાન આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી પણ ગાંડીતૂર બની છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત સતત વધી રહ્યું છે અને હવે તે ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદી હાલ 35 ફૂટે વહી રહી છે જેના કારણે સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતી એકદમ વિકટ બની છે. એકધારા વરસેલા વરસાદ અને ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં પૂર આવતાં વડોદરા ફરી એક વાર પૂરમાં ફસાયું છે.
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર: વિશ્વામિત્રી નદીનું પાણી સતત વધવાના કારણે વહીવટતંત્રએ લોકોએ સાવધાન રહેવાની અપીલ કરી હતી અને વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી મોટાપાયે લોકોનું સ્થળાંતર કરાયું હતું. જાણવા મળતી માહિતી મુજબ વડોદરાનો એક પણ વિસ્તાર બાકી નથી જે જળબંબાકાર ના બન્યો હોય અને તેના કારણે સ્થિતી વિકટ બની છે.
નદીના તમામ બ્રિજ બંધ કરી દેવાયા: વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે નદીના તમામ બ્રિજ બંધ કરી દેવાયા છે. સમા હરણી વિસ્તારમાં આવતા બ્રિજ પાસે નદીની જળસપાટી 40 ફૂટે પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં તો કમરસમા પાણી ફરી વળ્યા છે.
11 જેટલી મહિલાઓનું રેસક્યુ કરવામાં આવ્યું: મળતી માહિતી મુજબ ગોરવા પોલીસે પાણીમાં ફસાયેલી 11 જેટલી મહિલાઓને એલંબિક કોલ સેન્ટરથી રેસક્યૂ કરી આઇટીઆઇ તેમના નિવાસ્થાને સહી સલામત પહોંચાડી હતી. એટલું જ નહિ પરંતુ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યું છે અને સ્થાનિક તરવૈયાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આમ જોઈએ તો વડોદરા શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે એટલું જ નહીં પરંતુ પાણી ઉતરતા રોગચાળો ન ફેલાય તેની તકેદારી વહીવટી તંત્ર રાખે તેવી લોકમાંગ ઉઠી છે.
પોલીસ પણ લોકો ની મદદે: વડોદરા પોલીસ પણ પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારી એ પણ દાહોદ- ગોધરા થી આવેલી મહિલા પાણીમાં ફસાય તેને પણ તેઓ પીસીઆર વનમાં બેસાડીને એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.