ભાવનગર : ફાગણ માસના પ્રારંભે સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે ભાવનગર શહેર અને જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. પરીક્ષા આપ્યા બાદ બહાર નીકળેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જાણો વિદ્યાર્થીઓના મતાનુસાર આજનું પેપર કેવું હતું...
બોર્ડની પરીક્ષાનું સુચારુ આયોજન : ભાવનગર શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. ભાવનગરમાં ધોરણ 10 ના કુલ 35,536 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે 9000 જેટલા ઓછા છે. ધોરણ 10 ની પરીક્ષા માટે 130 બિલ્ડીંગ અને 1228 બ્લોક રાખવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 માટે 97 બિલ્ડીંગ અને 923 બ્લોક રાખવામાં આવ્યા છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19,470 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5490 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ કુલ 60,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આજના પેપર : ભાવનગર જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓને શાળા સુધી છોડવા આવેલા વાલીઓનો મેળો જામ્યો હતો. ભાવનગર શહેરની વિવિધ શાળાઓમાં કલેકટર, ધારાસભ્ય વગેરે સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 10 નું પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું હતું. જ્યારે બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મૂળતત્વનું પેપર અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ : ભાવનગરના દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. નિયત સમય મુજબ પેપર પ્રારંભ થયું હતું. પરીક્ષા કેન્દ્રના 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ અને સ્કેનર જેવા વ્યવસાય અને દુકાન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ સ્પીકર કે બેન્ડવાજાનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.