ગીર સોમનાથઃ અત્યારે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલીની યાદીમાં હવે નકલી કંપની જોડાઈ ગઈ છે. શેરબજારમાં નકલી ઊભી કરીને કુલ 3 કરોડનો ચુનો ચોપડનારને ઉના પોલીસે ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં ગુના નોંધાયેલ હોવાથી તેણે નામ બદલીને કુલ 34 લોકો સાથે 3 કરોડ રુપિયાની છેતરપીંડી કરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ મૂળ અમરેલીના સાવરકુંડલાના કેવિન ભટ્ટે શેરબજારમાં બોગસ કંપની ખોલી હતી. કેવિને મોટા નફાની લાલચ આપીને ઉનાના કુલ 34 લોકો પાસેથી રોકાણના નામે 3 કરોડ બથાવી લીધા હતા. આ કાંડમાં કેવિનની પત્ની પણ તેની બરાબરની ભાગીદાર હતી. દંપતિએ ઉનામાં એજન્ટ નીમ્યા અને લોકો પાસે વિવિધ રોકાણ કરાવ્યા હતા. ઉનાના જ એક સ્થાનિક એજન્ટની પોલીસ ફરિયાદને આધારે આજે પોલીસે કેવિન ભટ્ટની અટકાયત કરીને ધોરણસર ની કાર્યવાહી શરૂ કરી છે.
રીઢો ગુનોગારઃ કેવિન ભટ્ટ સામે ભૂતકાળમાં અમદાવાદમાં ગુના નોંધાઈ ચૂક્યા હોવાથી તેણે પોતાનું નામ બદલીને ઉનામાં છેતરપીંડી કરી હતી. કેવિનનું મૂળ નામ જયેશ વાઢેર હતું. અમદાવાદના સરદાર નગર અને નરોડા પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી એક ગુનો વર્ષ 2011માં પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો. તે આ ગુનામાં ફરાર થઈ ગયા બાદ નામ બદલીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યો હતો.
પોલીસે ઝડપેલ આરોપી કેવિન ભટ્ટનું મૂળ નામ જયેશ વાઢેર છે. અમદાવાદમાં વર્ષ 2011માં તેની સામે પોસકોની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસને તેના ઘરેથી ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું તેનાથી તેની સાચી ઓળખ સામે આવી હતી. હાલ તેની ફરાર પત્નીને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...જીતેન્દ્ર અગ્રવાલ (ASP, ઉના)