અમદાવાદ: ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટના ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ બે પ્રોજેક્ટ પૈકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૮ પર ધરોઈ ગામ ખાતે ધરોઈ ડેમ પાસે નવીન ચાર માર્ગીય મોટા પુલના બાંધકામની કામગીરી ૩૯૮.૪૦ કરોડના ખર્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન બ્રિજ બનશે
ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો નિર્માણ થનારો આ મોટો બ્રિજ હાલના સાબરમતી નદીના પટમાં હયાત લો લેવલ કોઝવેની જગ્યાએ નવીન ગ્રીનફિલ્ડ અલાઈમેન્ટમાં ફૂટપાથ સહિતનો ચાર માર્ગીય બ્રિજ બનશે. તે ઉપરાંત આ પ્રોજેક્ટમાં ૨ વ્હીકલ અંડરપાસ, ૩ નાના પુલ અને ૪ નાળાની બાંધકામની કામગીરી પણ કરવામાં આવશે.
દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ પર ધરોઈ ડેમ પાસે હયાત લો લેવલ કોઝવે ડૂબમાં જતો હોવાના કારણે અંદાજે ૧ માસ સુધી વડાલી-સતલાસણા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નવા ફોર લેન બ્રિજની મંજૂરી મળતા તેનું બાંધકામ થયેથી વાહન ચાલકોની આ સમસ્યાનો હલ આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.
ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.
રાજસ્થાનથી વિજયનગર- આંતરસુબા- માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેનમાં અપગ્રેડ કરવાની કામગીરીને મંજૂરી
આ ઉપરાંત કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ પર ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના કુલ ૫૬.૬૨૦ કિ.મી. રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી માટે રૂ. ૬૯૯.૭૯ કરોડ મંજુર કરવામાં આવેલા છે. આ પ્રોજેક્ટને પરિણામે વિવિધ ગ્રામજનોના સામાજિક-આર્થિક પરિમાણને વેગ મળશે તેમજ ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અંબાજી મંદિર જેવા જાણીતા પ્રવાસન અને યાત્રાધામોને જોડતા આ માર્ગથી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.