અમદાવાદ : શહેરમાં એક વ્યક્તિના એકાઉન્ટમાંથી રહસ્યમય રીતે કરોડો રૂપિયા ઉપડી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફરીયાદીની કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર વોડાફોન કંપનીના મોબાઇલ નંબરને આરોપીએ બંધ કરાવી અલગ અલગ 28 ટ્રાન્ઝેક્શન કરી રુ. 2.29 કરોડની છેતરપિંડી કરતી હતી. આ પૈસા જેના એકાઉન્ટમાં જમા થયા છે તેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખ્સનું કારનામું : આ અંગે ફરિયાદના આધારે મળતી માહિતી અનુસાર ફરીયાદી નીવા એક્ષ્પોર્ટસ LLP નામની કંપની ધરાવે છે, જેનું બેંક એકાઉન્ટ ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંકની આનંદનગર બ્રાન્ચમાં છે. ગત 3 જુલાઈ, 2022 ના રવિવારના રોજ કોઈ અજાણી વ્યક્તિએ ફરીયાદીના નામથી વોડાફોન સ્ટોરમાં કોલ કરી સીમ કાર્ડ ખોવાઈ ગયું છે તેવું બહાનું કરી ફરીયાદીના બેંક એકાઉન્ટના વોડાફોન કંપનીના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરને બંધ કરાવી દીધો હતો.
2.29 કરોડ ગાયબ કર્યા : અજાણ્યા આરોપીએ ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ 28 ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 2.29 કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરીયાદીના એકાઉન્ટમાંથી છેતરપીંડીના ટ્રાન્સફર થયેલા રૂપિયા 30 હજાર એક ICICI બેંકના એકાઉન્ટમાં જમા થયા હતા.
કોણ પૈસા ઉપાડ્યા ? આ એકાઉન્ટ હોલ્ડર સૌરભ યાદવની ટેકનીકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી તપાસ શરુ કરવામાં આવી. સૌરભ યાદવનું લોકેશન ગોવાનું જણાઈ આવતા તાત્કાલિક એક પોલીસ ટીમ ગોવા જવા રવાના કરવામાં આવી હતી. ગોવાથી સૌરભ યાદવને શોધી કાઢી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ કરવામાં આવી, જેમાં મોટો ખુલાસો થયો હતો.
મુખ્ય આરોપીનું નામ ખુલ્યું : સૌરભ યાદવ વર્ષ 2021 માં મારામારીના ગુનામાં આઝમગઢ જેલમાં હતો. ત્યારે તેની ઓળખાણ ઉત્તરપ્રદેશ આઝમગઢના કાર્તિકીસંગ સાથે થઈ હતી. આ શખ્સે સૌરભ યાદવને જેલમાંથી છૂટયાના આશરે બે મહિના બાદ જેલમાંથી જ કોલ કર્યો હતો. જેમાં તેણે સૌરભ યાદવને જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં મકાન વેચવાનું હોવાથી તેના નાણાં જમા કરવા માટે એકાઉન્ટ ખોલી આપે. સૌરભ યાદવે ICICI બેંકનું એકાઉન્ટ ખોલાવી આરોપી કાર્તિકીસંગના જણાવ્યા મુજબ એકાઉન્ટની ચેકબુક અને પાસબુક સાથેની કીટ સોનુ નામના વ્યક્તિને આપી હતી.
પોલીસ કાર્યવાહી : આ માહિતીના આધારે પોલીસે આરોપી કાર્તિકીસંગનું લોકેશન મેળવી એક ટીમ આઝમગઢ માટે રવાના કરી અને આરોપીને તેના ગામ લહરપારથી પકડી પાડ્યો હતો. આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી 13 ઓગસ્ટ, 2024 ના રોજ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી કાર્તિકીસંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાથે જ આ મામલે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા અનેક ગુનામાં સંડોવાયેલ આરોપી રાજન દેવમુની પાસીની સંડોવણી હોવાનું જણાઇ આવ્યું છે, જેની તપાસ ચાલુ છે.