રાજકોટ: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોની જિંદગી બુઝાઈ ગઈ હતી જેમાં પોલીસે 10 શખ્સોની ધરપકડ પણ કરી છે. જો કે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, પરંતુ મોટા માથાઓની કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કોઈના નામ પણ બહાર આવ્યા નથી. સાથે સાથે મોટા અધિકારીઓનો પણ બચાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ સતત કરી રહી છે. તો જે સીટની રચના કરવામાં આવી છે તેમાં સીટના વડા સામે પણ ઘણા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
ત્યારે આજે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાની ઉપસ્થિતિમાં રાજકોટના બહુમાળી ચોકથી કમિશનર ઓફિસ સુધી એક વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. જેમાં પીડિત પરિવારો પણ સાથે જોડાયા હતા. પોલીસ કમિશનર કચેરીમાં કોંગ્રેસના આગેવાનો કે કાર્યકરોને જવા દેવામાં ન આવ્યા હતા. અને રેલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા અંતે પોલીસે કોંગ્રેસના આગેવાનોને અંદર આવવાની મંજૂરી આપી હતી. ત્યારે કોંગ્રેસના આગેવાન સાથે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતમાં અગ્નિકાંડમાં યોગ્ય તપાસ થાય અને કોઈ પણ ગુનેગાર હોય તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
ઉપરાંત આ ઘટનામાં જો મોટા માથાઓની પણ સંડોવણી હોય તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી હતી. કોંગ્રેસ એક તરફ પીડિતને ન્યાય અપાવવા માટેની માંગ કરી રહી હતી. ત્યારે રાજકોટથી પોણા પાંચ લાખથી પણ વધુ લીડથી જીત મેળવનાર ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા નવી શરૂ થયેલી ડેરીના ઉદ્ઘાટન પ્રસંગમાં જોવા મળ્યા હતા. જેથી પ્રજામાં રોષ જોવા મળ્યો હતો. પીડિતો ન્યાય માટે હેરાન થાય છે તો સાંસદ ઉદ્ઘાટન પ્રસંગમાં વ્યસ્ત રહેતા લોકોની લાગણી દુભાઈ છે.