કચ્છ: ચાંદીપુરા વાયરસ હવે ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. આ મુદ્દે જિલ્લા પંચાયત કચેરી સ્થિત જિલ્લા રોગચાળા નિયંત્રણના અધિકારી કેશવકુમારે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસનો શિકાર બનેલા અને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માધાપર જૂનાવાસના 8 માસના બાળકનું રિપોર્ટ આવે એ પહેલા જ મૃત્યુ નીપજ્યું છે. તો બીજી બાજુ અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલી અંજારના મેઘપર ગામની દોઢ વર્ષની બાળકીએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
સૌપ્રથમ કેસની હજુ પણ સારવાર ચાલુ: ઉલ્લેખનીય છે કે, જે બંને બાળદર્દીઓના આજે મોત થયા છે તે બંનેના સેમ્પલના રીપોર્ટ હજુ આવ્યાં નથી. બંનેના રીપોર્ટ 1-2 દિવસોમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે કચ્છમાં આ વાયરસનો જે સૌપ્રથમ કેસ આવ્યો હતો તેવા નખત્રાણાના દેવપરનો બાળદર્દી હાલ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત મુન્દ્રાના હટડીની 6 વર્ષની બાળકીના રિપોર્ટ તપાસી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
માખીના નાશ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ: જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસે પેટર્ન બદલી હોય તેની શક્યતા દેખાઈ રહી છે. જે ચકાસવા માટે કચ્છના માંડવી તાલુકાના ગઢશીશા ગામના 18 વર્ષિય યુવકનું સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યું છે. કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા જે વિસ્તારોમાં શંકાસ્પદ કેસ જણાઈ આવે છે તેમજ જે વિસ્તારમાં માટીના મકાનો છે તેવા વિસ્તારોમાં માખીના નાશ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.