ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતી આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ગૃહમાં જનતાનો અવાજ દબાવવાનો સરકાર પર આક્ષેપ કર્યો છે. જ્યારે સરકારે કોંગ્રેસ પર જનતાના મુદ્દાઓ ઉઠાવવાને બદલે ગૃહમાં હલકી રાજનીતિ કરવાનો પ્રતિઆક્ષેપ કર્યો છે.
'પીવાનું પાણી મળતુ નથી એટલું દારુ મળે છે': કોંગ્રેસના નેતાઓ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેવાની તૈયારીમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં પીવાનું પાણી મળતું નથી એટલું દારૂ મળે છે. ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બન્યું છે. અત્યાર સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ મળતું હતું. હવે તો દક્ષિણ ગુજરાતમાંથી પણ ડ્રગ્સ મળે છે. ફાર્માસ્યુટિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવે છે.
ડ્રગ સાથે સંકળાયેલા લોકોના ગૃહ મંત્રી, પ્રદેશ પ્રમુખ અને ભાજપ નેતાઓ સાથે ફોટો વાઇરલ થયા છે. અનેક ડ્રગ્સ ડીલરોના ભાજપ સાથે તાર જોડાયેલા છે. નશાબંધીના વિધેયકમાં ચર્ચા થઈ શકી નથી. ભાજપમાં હપ્તાખોરી રાજને કારણે ઊડતા ગુજરાત બન્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યએ કોઈ જાતનો નિયમ ભંગ કર્યા વગર વિરોધ કર્યો હતો. પણ સરકારની પોલ ન ખૂલે, મળતિયા વિશે વાત ન થાય એ માટે પ્રસ્તાવ અને બહુમતીના જોરે સત્તા પક્ષના કૃત્યો બહાર ન આવે એ માટે સુનિયોજિત રીતે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આગામી સમયમાં ગૃહમાં અને રસ્તા પર પણ યુવાનોને બચાવવા માટે લડીશું.
કોંગ્રેસના આરોપોનો ભાજપે આપ્યો જવાબઃ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજે વિધાનસભામાં સવારે કોંગ્રેસના મિત્રોએ જે રીતે રજૂઆત કરી અને અમિત ચાવડાએ જે પ્રશ્ન ઊભો કર્યો ત્યારે નિયમ મુજબ બાદમાં તક આપે ત્યારે ચર્ચા કરવાની હોય છે. પરંતુ પૂરા પ્લાનિંગ સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો. સાથે કહેતા એમ હતા કે અમારા પ્રશ્નો આવતા નથી. 116 ની નોટિસ અમિત ચાવડાની હોવા છતાં પ્રશ્નમાં ભાગ ન લીધો. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબ સિંહના દાહોદના પ્રશ્નનો સવાલ પૂછ્યો હતો. સરકારે તેમના સવાલનો જવાબ નથી આપ્યો.
કારણ કે, જો કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહના પ્રશ્નનો જવાબ ગૃહમાં આપવામાં આવે તો સંડોવાયેલા લોકોને બચવાનો મોકો મળી શકે છે. કેમ કે સમગ્ર મુદ્દે ફરિયાદ થઈ છે અને તપાસ ચાલે છે. નિયમ પ્રમાણે તપાસ ચાલતી હોય તો ચર્ચા ન થાય એટલે ચર્ચા નહોતી કરી. એમની પાસે તો માત્ર એક ગામ પુરતો જ પ્રશ્ન હતો પરંતુ અમે તો પૂરા દાહોદમાં તપાસ કરવાની સૂચના આપી છે.
'અંગ્રેજ નીતિ પર કોંગ્રેસ ચાલે છે' કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કરેલા આક્ષેપો પર પ્રવક્તા મંત્રી ઋત્વિજ પટેલે જણાવ્યું કે સરકાર પર આક્ષેપો કરીને કોંગ્રેસ ખાલી રાજનીતિ કરે છે. તપાસની વિપરીત અસર ન થાય એ માટે જવાબ આપવાની ના કહી છે. આવા જ બીજા પ્રશ્નો પણ પુછ્યા હોય તો એના પણ જવાબ મળે છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનો આરોપ કોંગ્રેસ શબ્દથી લગાવે છે. કેવી રીતે સત્તા મળે, મતની સંખ્યા વધે, ભાગલા પડે એવી અંગ્રેજ નીતિ પર કોંગ્રેસ ચાલે છે. અમે ભલે ઓછા છીએ પણ પ્રજા માટે લડીએ છીએ એમ બતાવે છે. કોંગ્રેસના ડીએનએમાં મુળ સ્વભાવ છે. ઠોસ વાત નથી હોતી.
કોંગ્રેસની ન્યાય યાત્રાને જનતાનો પ્રતિસાદ મળ્યો નથી. ન્યાય યાત્રાને કોઈએ સહકાર ન આપ્યો એટલે ગાંધીનગરને બદલે અમદાવાદમાં યાત્રા પૂરી કરીએ. જે પ્રમાણે વિધાનસભામાં પ્રદર્શન થયું છે તેના પરથી સ્પષ્ટ થાય છેકે એમને જે કામ હોય એ પણ અહીંથી ઝડપથી નીકળી જવું હતું એટલે તૈયારી સાથે જ એ આવ્યા છે.