કચ્છ : 5161મી ગીતા જયંતી નિમિતે ભુજમાં શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અને 40થી પણ વધુ સમાજ દ્વારા પંચ દિવસીય ગીતા જયંતી મહોત્સવ યોજાશે. આગામી 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાં ભુજના ઈતિહાસમાં સૌપ્રથમ વખત હનુમંત કથા યોજાશે.
ભુજમાં ગીતા જયંતી મહોત્સવ : ભગવદ્ ગીતા એક એવો વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે જે સમગ્ર માનવ જાતને સ્વીકાર્ય છે અને એક માત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. માગશર સુદ એકાદશી 11 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી આવી રહી છે. ભુજમાં સૌપ્રથમ વખત ગીતા જયંતીના ઉત્સવને અતિ ભવ્ય રીતે મનાવવામાં આવશે. આગામી 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સર્વ જ્ઞાતિ-સમાજનું સ્નેહમિલન : આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, 24 નવેમ્બરે કેન્દ્રમાં એક સાથે 40 જેટલા જ્ઞાતિ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં દરેક જ્ઞાતિના પ્રમુખોએ એકબીજાના મોં મીઠા કરાવી સન્માન કર્યું હતું. મહિલા મંડળના પ્રમુખોએ પણ સમાજની મહિલા પ્રમુખોને સન્માનિત કર્યા હતા. સાધુ સંતોએ આ પ્રમુખોને પોતાના હાથે જમાડ્યા અને આવનારા ભવિષ્યમાં બધા જ સમાજે વેરઝેર ભૂલીને એક સાથે મળીને રહેવાનો સંકલ્પ કર્યો હતો.
અભ્યાસમાં સામેલ થયા ગીતાના મૂલ્યો : આગામી સમયમાં આવનારી ગીતા જયંતી આ 40 સમાજના લોકો સાથે મળીને ઉજવશે. આ વિરલ ઘટના કચ્છના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વખત બનવા જઈ રહી છે. હાલમાં વિદ્યાર્થીઓને પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય અભ્યાસક્રમ મારફતે શીખવવામાં આવી રહ્યા છે. યુવાનો પણ હવે ભગવદ્ ગીતાના પાઠ તરફ વળી રહ્યા છે.
ગીતા ગ્રંથયાત્રાનું આયોજન : આગામી 8 ડિસેમ્બરથી આ મહોત્સવ શરૂ થશે, જેમાં બપોરના 3:30 વાગ્યે ગીતા ગ્રંથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40થી પણ વધુ સમાજની 250 જેટલી બહેનો પોત પોતાના ડ્રેસ કોડ સાથે જોડાશે અને ભગવદ્ ગીતાને મસ્તક પર ઉપાડીને રામધૂનથી ટાઉન હોલ સુધી ગ્રંથયાત્રારૂપે પહોંચશે. ટાઉનહોલ ખાતે સાંજે 6 થી 8 વચ્ચે ગુરુજી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી રાજકોટથી પધારશે અને સર્વ સમાજના ભાઈ-બહેનોને પ્રવચન આપશે.
11 ડિસેમ્બર એટલે કે ગીતા જયંતી નિમિત્તે 18 અધ્યાયનું પારાયણ પણ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ રમેશ ઓઝાના પટ્ટશિષ્ય કથાકાર શ્યામ ઠાકરનું (પોરબંદર) પણ ગીતા જયંતી નિમિતે વક્તવ્ય અને આર્શીવચન રહેશે.
ભુજના ઇતિહાસમાં પ્રથમવાર હનુમંત કથા : આ ઉપરાંત ભુજના ઇતિહાસમાં પ્રથમ વખત હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી સાંજે 4 થી 6 વચ્ચે જૂનાગઢના પ્રસિદ્ધ વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉ. મહાદેવ પ્રસાદ આ કથાના વક્તા રહેશે. સાથે સાથે સાંજે 6 થી 7:30 ભગવદ્ ગીતા પર સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું પણ પ્રવચન રહેશે.
ધર્મ અને રાષ્ટ્ર નિષ્ઠાના ઉદ્દેશ્ય સાથે આયોજન : ઉલ્લેખનીય છે કે ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા એવા બે ઉદ્દત ધ્યેયોને ધ્યાનમાં રાખીને સર્વ સમાજ એકઠા થયા છે, જે સનાતન સમાજના મૂલ્યોને સુદ્રઢ કરશે. આ તકે બાળકો અને યુવાનોને ભગવદ્ ગીતા ભણાવવી, હિંદુ ધર્મના પ્રત્યેક તહેવારોની ગરિમામય ઉજવણી કરવી તથા પ્રકૃતિની પૂજારૂપે છોડમાં રણછોડની ભાવનાથી વૃક્ષારોપણ કરવા, ગાય માતાને કેન્દ્રમાં રાખીને જીવન શૈલી વિકસાવી વગેરે સંકલ્પો પણ લેવામાં આવશે.
ભુજ આર્ષ અધ્યયન કેન્દ્ર : છેલ્લા 20 વર્ષથી ભુજના માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્ર કાર્યરત છે, જે યુવાનોની પ્રતિભા ખીલે, હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેમજ લોકો ભગવદ્ ગીતામાંથી જીવનના મૂલ્યો શીખે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે.