ભરૂચ : કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલની ભરૂચ LCB પોલીસે વડોદરાથી ધરપકડ કરી છે. વાગરા તાલુકાના જોલવા ગામમાં નવરાત્રી દરમિયાન 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં આરોપી સુલેમાન પટેલ ત્રણ મહિલાથી ફરાર હતો. સુલેમાન પટેલ બે વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂક્યા છે.
શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના જોલવા ગામના પાદરે ઓક્ટોબર 2023 માં બનાવ બન્યો હતો. અહીં બેઠેલા લોકો પર અગાઉ થયેલી તકરારમાં મનદુખ રાખી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા જોલવાના રહીશે આરોપી સુલેમાન પટેલ વિરુદ્ધ તેમના કહેવાથી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો : પોલીસ દ્વારા જીવલેણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે સુલેમાન પટેલ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જ્યારે ઝડપાયેલા 5 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે રેકોર્ડના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી.
ફરાર આરોપી ઝડપાયો : ગંભીર ગુનામાં ભાગેડું સુલેમાન પટેલ સામે વાગરા કોર્ટે CRPC 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. બીજી તરફ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI પી.એમ. વાળાને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી સુલેમાન મુસા પટેલ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં છુપાયેલ છે. બાતમીના આધારે ભરૂચ LCB ટીમે સ્કાય લાઈટ હોટલમાં દરોડો પાડી સુલેમાન પટેલની ધરપકડ કરી હતી.
પોલીસ કાર્યવાહી : આજે ભરૂચ SP કચેરી ખાતે DYSP સી.કે. પટેલે આ અંગે માહિતી આપી હતી કે, પોલીસ પકડથી બચવા 3 મહિના સુધી સુલેમાન પટેલે પ્રથમ અમરેલી ત્યારબાદ કુલુ-મનાલી અને મહારાષ્ટ્રની અલગ અલગ હોટલમાં આશરો લીધો હતો. ગત નવરાત્રીમાં થયેલ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી સુલેમાન પટેલને વડોદરા ખાતેથી ઝડપી પાડેલ હતો. આ આરોપી છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી દૂર હતો.
જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર, બે આરોપીની ધરપકડ, બે ફરાર
ભરૂચના ઝાડેશ્વર ગામમાં બનેલ ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો, તમામ મુદ્દામાલ સહિત બે આરોપી ઝડપાયા