બનાસકાંઠા : હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના સરહદી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ લાખણી, ધાનેરા, દિયોદર અને વાવ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. જોકે ધુમ્મસભર્યા વાતાવરણને લઈને રોડ પર ચાલતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે.
સરહદી પંથકમાં વાતાવરણ પલટાયુ : હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના સરહદી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ સરહદી પંથકના વાવ, થરાદ, સુઈગામ, લાખણી, ધાનેરા અને દિયોદર સહિતના વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો ધોળા દિવસે પણ રોડ પર લાઈટો ચાલુ રાખી વાહન ચલાવી રહ્યા છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો : ધુમ્મસના કારણે ખેતી પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે રવિ સિઝનમાં એરંડા, બટાકા, રાયડો, જીરુ, ઇસબગુલ અને ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, વાતાવરણને લઈને રવિ સીઝનમાં વાવેતર પાકને રોગચાળો આવવાની દહેશત વર્તાઇ રહી છે. સતત બે દિવસથી ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી 26, 27 અને 28 ડિસેમ્બર એમ ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આવનાર ત્રણ દિવસ વરસાદ થવાની સંભાવના છે. જેમાં તારીખ 26, 27, 28 ડિસેમ્બરે વરસાદની આગાહી છે. જોકે શીત લહેરની હાલ કોઈ સંભાવના નથી.