અમદાવાદ : આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ભીષણ આગનો બનાવ બન્યો છે. થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડીંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ધીરે ધીરે આગ બિલ્ડિંગના 9,10 અને 11 એમ ત્રણ માળ સુધી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જોકે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ટાઇટેનિયમ સ્ક્વેરમાં ભીષણ આગ : આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ સ્ક્વેર 14 માળની ઈમારત છે. આજે વહેલી સવારે ટાઇટેનિયમ સ્ક્વેરના 10માં માળ પર આગ લાગી હતી. જોતજોતામાં આગ 9,10 અને 11 માળ સુધી પ્રસરી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગની 28 ગાડીઓ આવી : આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાયટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક બાદ એક 28 જેટલી ફાયર ફાયટરની ગાડીઓ અને ફાયર જવાનોએ સ્થળ પર પહોંચી આશરે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ મળ્યુ નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનો અંદાજ છે.