અમદાવાદઃ પૂર્વનું વેનિસ તો ક્યારેક માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ શહેર છે અનોખું. અમદાવાદ શહેરના ઈતિહાસ અંગે ભલે મતમંતારો રહ્યાં છે. પણ ખરાં અર્થમાં અમદાવાદ શહેર પોતાની સાંસ્કૃતિક અસ્મિતાના આઘારે સદીઓથી વૈશ્વિક શહેર બની રહ્યું છે. એવું મનાય છે કે, અમદાવાદ શહેરની સ્થાપના વર્ષ 1411માં અહેમદશાહે કરી હતી. એવો પણ ઈતિહાસ છે કે, સાબરમતી નદીના પૂર્વ કિનારે આશાપલ્લી કે આશાવલ નામે નગરી હતી, જે પછીથી અમદાવાદના નામે ઓળખાયું, આશાવલ નગરીમાં વર્ષો જૂના સૂર્ય, શક્તિ અને વિષ્ણુના શિલ્પો મળ્યા હતા. આશાવલ નગરી પર 11મી સદીના અંતમા પાટણના ચાલુક્ય રાજાઓએ વિજય મેળવી તેનું નામ કર્ણાવતી કર્યું હોવાનો લશ્કરી ઈતિહાસ છે. યુરોપીય પ્રવાસી ટોમસ રો એ પણ અમદાવાદની મુલાકાત લઈને તેને પૂર્વના વેનિસ તરીકે ઓળખાયું હતુ, અમદાવાદની ઓળખ બનતા સુધીમાં આ નગર ખાતે મહંમદ ખીલજી અને મહંમદ તુગલક પણ આવ્યો હતો. એવું મનાય છે કે, 1525ના સમયમાં અમદાવાદની જાહોજહોલી હતી. અમદાવાદમાં મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજોએ શહેરને પોતાની રીતે વિકસાવ્યું હતુ. અમદાવાદમાં મરાઠા કાળમાં અનેક મરાઠી કુટુંબો આવી વસ્યા હતા. આ અરસામાં ગાયકવાડ હવેલીનું સર્જન થયું હતુ. 1818ના વર્ષમાં મરાઠા સત્તામાં ગેર વહીવટ થતાં અંગ્રેજ કંપની સરકારના હસ્તે શહેર ગયું હતું.
ઐતિહાસિક સ્થાપત્યો અને નિર્માણઃ અમદાવાદ શહેરના વિકાસમાં દરેક કાળમાં તેના શાસકોનો ફાળો રહ્યો છે. અમદાવાદ શહેરના વિકાસની વિગતો મહેમૂદશાહ પહેલાના સમયથી પ્રાપ્ત થાય છે. અમદાવાદ શહેરનો કોટ વિસ્તાર સમૃદ્ધ હતો અને કોટ વિસ્તારમાં વિવિધ સ્થાપત્યો બંધાયા. વર્ષ 1424માં સુલતાન અહમદશાહે ભવ્ય મસ્જિદનું નિર્માણ કર્યુ હતુ. જામા મસ્જિદના નિર્માણ બાદ શહેરને ફરતે કોટ બંધાયા અને શહેરનો કોટ વિસ્તાર સલામત અને સમૃદ્ધ બન્યો હતો. 15મી સદીમાં અમદાવાદમાં બેનમૂન સ્થાપત્યો રચાયા હતા. વર્ષ 1573માં અમદાવાદ શહેર એકબર દ્વારા જીતાયુ હતુ, જે ત્યાર બાદ વર્ષો સુધી મુઘલ શાસકોના તાબે રહ્યું. અ સમયે અમદાવાદની ઓળખ વેપારી અને વહીવટી કેન્દ્ર તરીકે વિકસી હતી. અમદાવાદની પ્રખ્યાત સીદી સૈયદની જાળી એક જ પથ્થરથી બનેનું બેનમુન સ્થાપત્ય છે. ગુજરાત સુલતાન શામ-ઉદદદિન - મુઝફ્ફર ખાનના ત્રીજા સરકાર બિલાલ ખાને 1572માં સીદી સૈયદની જાળીનું નિર્માણ કરાવ્યું હતુ. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ - બીજાએ 15મી સદીમાં નિર્માણ કરાવ્યું હતુ. વર્ષ 1451માં પૂર્ણ થયેલ કાંકરિયા એ સમયે હૌજ-એ-કુતુબના નામે ઓળખાતું હતું. આજે કાંકરિયા એ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદનો સરખેજનો રોજો પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સુલતાન મહેમૂદ બેગડાના મિત્ર અહમદ ખટ્ટુ ગંજબક્ષ પાટણથી આવેલા અને શહેરનો પાયો નાંખનાર પાંચ ઓલિયા અહમદો પૈકી એક હતા. વર્ષ 1446માં અહમદ ખટ્ટ ગંજબક્ષના મૃત્યુ બાદ તેમની કબર અહીં છે, જે સરખેજના રોજા તરીકે પ્રખ્યાત છે. સરખેજના રોજોમાં તળાવ અને આસપાસ સુંદર સ્થાપત્યો છે. અમદાવાદના સ્થાપત્યોમાં નમુનારુપ એવા રાણી રુપમતીની મસ્જિદ, દરિયાખાન ઘુમ્મટ, શાહ ફાઝલની મસ્જિદ આ કાળમાં નિર્માણ પામ્યા હતા. શહેરમાં મુઘલકાળ દરમિયાન ભદ્ર કિલ્લાની આસપાસનો વિસ્તાર, શાહીબાગ, જમાલપુરના પગથીયાનો વિસ્તારનો વિકાસ થયો. અંગેજોના સમયમા્ં અમદાવાદ શહેરમાં રેલ્વે, રસ્તા, પૂલોનું નિર્માણ થતા અમદાવાદમાં આધુનિક શહેર તરીકે વિકસતું ગયુ. અમદાવાદ શહેરને તેની ખરી ઓળખ કાપડના મીલ ઉદ્યોગે આપી, જેના કારણે અમદાવાદ વિશ્વમાં પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખાયું.
આધુનિક અમદાવાદ, હવે વિશ્વ હેરિટેજ સિટીઃ ઐતિહાસિક અમદાવાદ શહેર ગુજરાતની રાજધાની નથી, પણ રાજ્યની આર્થિક રાજધાની છે. અમદાવાદ શહેરની રચના મૂળ પાટળ શહેરની રચનાથી પ્રેરાઈ છે, અમદાવાદના 12 દરવાજા, વચ્ચે ભદ્રકાળી એ નગરમાતા છે. અમદાવાદમાં હિંદુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મના અનેક સ્થાનકો અને સ્થાપત્યો છે, જેને અમદાવાદને ગ્લોબલ સિટી સાથે હિરેટેજ સિટીનો દરજ્જો અપાયો છે. કોટ વિસ્તારમાં પોળ-ઓળ-ખડકી જેવાં રહેણાંક વિસ્તારો તો માણેકચોક, ત્રણ દરવાજા, લાલ દરવાજા, સલાપસ રોડ, ભદ્ર કિલ્લાની આસપાસનો વેપારી વિસ્તાર છે. અંગ્રેજકાળમાં અંગ્રેજી માધ્યમની શાળા, ચર્ચ, બ્રિજ, રેલવે આવી. 1915માં મહાત્મા ગાંધીએ પાલડીના કોચરબ ખાતે પ્રથમ આશ્રમ સ્થાપ્યુ. ત્યાર બાદ સાબરમતી આશ્રમ થકી દેશમાં સ્વાંતત્ર સંગ્રામીનો આરંભ કર્યો. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાએ વિશ્વમાં અમદાવાદને પ્રસિદ્ધ કર્યું હતુ. આઝાદી બાદ અમદાવાદમાં આઈ.આઈ.એમ.નું બિલ્ડીંગ, આત્મા બિલ્ડીંગ, અમદાવાદ મ્યુઝિયમ, શોધન હાઉસ , હુસેન-દોશી ગુફા જેવા અનેક બિલ્ડિંગોએ આધુનિક સ્થાપત્યમાં સ્થાન અપાયું છે. વર્ષ - 2000 બાદ અમદાવાદમાં રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને હવે અટલ બ્રિજ, મેટ્રો ટ્રેન એ આધુનિક સુવિધા સાથે અમદાવાદને વૈશ્વિક ગૌરવ અપાવે છે.