બનાસકાંઠા : છેલ્લા 6 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કારણ કે પહેલા વરસાદમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું. ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હતી. ખેડૂતો સહિત અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે લોકો વરસાદની કાગડોળે રાહ જોતા હતા. ત્યારે હવે સરહદી વિસ્તારમાં બપોરે અને પાલનપુર વડગામ પંથકમાં સમી સાંજે મેઘરાજા મહેરબાન થતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. બીજી તરફ વરસાદ આવતા પાકને જીવતદાન મળશે તેવી આશાથી ખેડૂતો પણ આનંદિત થયા હતા.
પાકને મળ્યું જીવતદાન : બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ, સુઈગામ, વાવ અને ભાભર સહિતના વિસ્તારોમાં બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે ચોમાસુ પાકને જીવતદાન મળ્યું હતું. કારણ કે, વાવેતર કર્યાના છથી સાત દિવસ વીતી ગયા બાદ હવે વરસાદની જરૂર હતી. ત્યારે જ વરસાદ આવતા ચોમાસુ પાક ફરી જીવિત થયો છે. તેમજ જિલ્લાના ધાનેરા અને ડીસા પંથકમાં પણ બપોરે વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
મેઘરાજાનો બીજો રાઉન્ડ : પાલનપુર વડગામ પંથકમાં પણ વિરામ બાદ બીજા રાઉન્ડમાં સમી સાંજે વરસાદ વરસ્યો હતો, જેનાથી રોડ રસ્તા ભીંજાયા હતા. પાલનપુરની બજારમાં પણ વરસતા વરસાદ વચ્ચે લોકો વરસાદમાં પલળવાની મજા માણતા નજરે પડ્યા હતા. જિલ્લામાં થોડા સમય માટે વરસાદ ખેંચાયો હતો, જે બાદ બીજા રાઉન્ડમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.
સરેરાશ ઓછો વરસાદ : બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ સરેરાશ વરસાદ આશરે ચાર ટકા જેટલો જ પડ્યો છે. જેથી જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. કારણ કે અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની જો વાત કરવામાં આવે તો સાતથી આઠ ટકા જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવું ચોમાસુ જામ્યું નથી.
પાણીની આવક નહીવત : બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં હજુ સુધી પાણીની આવક થઈ નથી. એટલે કે ડેમોમાં પાણીની આવક થાય તો જ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝન માટે ખેડૂતોને પાણી મળી શકે છે. હજુ તો ચોમાસુ બાકી છે, ત્યારે જો ચોમાસું જામે છે તો આ ત્રણેય ડેમ પાણીથી ભરાઈ શકે છે. પરંતુ હજુ સુધી આ ત્રણેય ડેમોમાં પાણી પહોંચ્યું નથી.