ગાંધીનગર: મંદિરના પ્રસાદ બાબતે રાજ્યનો આરોગ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક સ્થળોના ભોજનાલયોમાં પણ તંત્ર ચેકિંગ કરે છે. ગુજરાતના મંદિરોમાં શુદ્ધ સાત્વિક પ્રસાદ બની રહ્યો છે. ગુજરાતમાં અંદાજિત 30 થી વધુ ધાર્મિક મોટા મંદિરો આવેલા છે. આ મંદિરોમાં મીઠાઈ, પ્રસાદ ઉપરાંત ભોજન પ્રસાદનું પણ ચેકિંગ કરવામાં આવશે.
બીએચઓસી સ્કીમમાં પ્રસાદનો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન: રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ફૂડ કમિશનર ડોક્ટર જી.એચ. કોશીયાએ જણાવ્યું કે, 'રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ટ્રક વિભાગ સતત કાર્યરત છે. ગુજરાતમાં અનેક પવિત્ર યાત્રાધામો આવેલા છે. આ યાત્રાધામોમાં દેશ વિદેશના પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે. યાત્રાધામમાં પ્રસાદ શુદ્ધ અને સાત્વિક મળે તે માટે ફૂડ સેફટી એક્ટનું કડકાઇ પૂર્વક પાલન કરવામાં આવશે.
જે તે જિલ્લાની ફૂડ સેફ્ટી ટીમ મંદિર દ્વારા વિતરણ કરવામાં આવતા પ્રસાદનું ચેકિંગ અને ટેસ્ટિંગ કરતા હોય છે. પ્રસાદ બનતો હોય તેના સેમ્પલ લેવાતા હોય છે. મંદિરોમાં બનતો પ્રસાદ સારી રીતે બને તે માટે સર્ટિફિકેશનની સ્કીમ છે. બીએચઓસી સ્કીમમાં પ્રસાદનો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થાય છે. ગુજરાતમાં 32 થી વધુ મોટા મંદિરમાં પ્રસાદનું સતત પરીક્ષણ કરે છે. એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો ફૂડ સેફટી એક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.'
સેમ્પલ કલેક્ટ કરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે: તેમણે વધુમાં જણાવ્યું કે, 'નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને શુદ્ધ ફરસાણ અને મીઠાઈ મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. તહેવારોમાં મીઠાઈ ડ્રાયફ્રુટ અને ફરસાણની માંગ વધી જતી હોય છે. આવા સમયે બજારમાં કેટલાક ભેળસેળિયા લેભાગુ તત્વ ફૂટી નીકળતા હોય છે. ફૂડ એન્ડ સેફટી વિભાગની ટીમ રાજ્યભરમાં વેપારીઓ પાસેથી સેમ્પલ કલેક્ટ કરીને તેનું ટેસ્ટિંગ કરે છે. લોકલ, સ્ટેટ અને સેન્ટ્રલની ટીમ મીઠાઈ ફરસાણ અને ડ્રાયફ્રુટ ઉત્પાદકો પાસે સઘન ચેકિંગ હાથ ધરશે.'
વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરેથી શરૂ થયેલો આ પ્રસાદ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી સંભાવના છે. દરેક રાજકીય પક્ષ પોત પોતાની સગવડ અનુસાર ભગવાનના પ્રસાદ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: