છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા મોટા રામપુરા ગામે રહેતી 20 વર્ષની નીતાબેન દેશીંગભાઇ રાઠવાની ઉપર વીજળી પડતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જે ઘટના બનતા સમગ્ર આદિવાસી પંથકમાં ઉંડા શોકની લાગણી ફેલાઈ ગઇ હતી.
ઉલ્લેખનીય છે, કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં હાલ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો હવામાં ફેરફાર અને વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે, તેવા સંજોગોમાં ગઈ મોડી સાંજના સમયગાળા દરમિયાન મોટા રામપુરા ગામે પૂજારી ફળિયામાં રહેતી 20 વર્ષની યુવતી તેના ખેતરમાં બાંધેલા બળદને છોડવા માટે ગઈ હતી બાંધેલા બળદ છોડતી વખતે અચાનક વીજળીનો કડાકો થયો,અને વીજળી યુવતી ઉપર પડી હતી.જેથી ઘટના સ્થળે યુવતીનું મોત નીપજ્યું હતું.
મૃતક યુવતીની બહેને જણાવી ઘટના : મૃતક યુવતીના બહેન મંજુલા રાઠવા જણાવ્યું કે, મારી બહેન નીતા ખેતરમાં ઝાડે બાંધેલા બળદને લેવા ગઈ હતી,અને મારા પપ્પા થોડે દૂર ઉભા હતા, ત્યારે અચાનક વીજળી પડતાં મારી બહેન બેહોશ થઈ ગઈ હતી.એટલે અમે 108ને જાણ કરી હતી. 108 અને પોલીસ આવે ત્યા સુધીમાં મારી બહેનનું મોત થઇ ગયુ હતુ.
આ અંગે 108ના એમ ટી જગદીશ રાઠવા જણાવ્યું કે, મોટા રામપુરા ગામમાં વીજળી પડી હોવાની જાણ મળતા અમે ઘટના સ્થળે દોડી ગયા હતા,ત્યાં તપાસ કરતા સિમ્પલ વાઇટર નહીં આવતાં મ્રૂતકની લાશને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.