બારડોલી : છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પલસાણા તાલુકામાં 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હજુ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. મંગળવારના રોજ પણ સાંજે 4 વાગ્યા સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાતા પલસાણા તાલુકો જળબંબાકાર થઈ ગયો છે. જેને પગલે સૌથી વધુ અસર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામમાં થઈ છે. અહીં બત્રીસ ગંગા ખાડીમાં પૂર આવતા બલેશ્વર ગામે ટાંકી ફળિયામાં તેમજ રાજ હંસ ટેક્ષપા વિસ્તારની ફેક્ટરીમાં ફસાયેલા પરિવારના 60 જેટલા લોકોનું બારડોલી ફાયર બ્રિગેડ તેમજ વહીવટી તંત્રએ રેસક્યું ઓપરેશન હાથ ધરી સલામત સ્થળે ખસેડયા હતા.
પલસાણામાં સૌથી વધુ વરસાદ: સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત બન્યો છે. અહી અત્યાર સુધીમાં 1,342 મી.મી એટલે કે અંદાજિત 53 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. છેલ્લા ત્રણ દિવસથી અતિ ભારે વરસાદને કારણે તાલુકાની હાલત કફોડી થઈ ગઈ છે.
ટાંકી ફળીયમાંથી રેસ્ક્યુ કરાયું: પલસાણાના બલેશ્વર ગામેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં અહીં રવિવારે ખાડી ઓવર ફ્લો થવાનું શરૂ થયું હતું અને ધીમે ધીમે લોકોના ઘરોમાં પાણી ઘૂસવાના શરૂ થયા હતા, તો કેટલોક વિસ્તાર બેટમાં ફેરવાય ગયા હતા. હજુ પણ ખાડીની જળ સપાટી વધી રહી હોય, આવી પરિસ્થિતીમાં બલેશ્વર ગામે ટાંકી ફળિયામાં રહેતા 60 થી વધુ લોકોનું બારડોલી ફાયર બ્રિગેડ ટીમની મદદથી રેસક્યું કરી બલેશ્વર પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો હતો.
કામદારોને બહાર કઢાયા: આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48થી વડદલા ગામ જતાં રસ્તા પર આવેલ રાજહંસ ટેક્સપા કમ્પાઉન્ડમાં એક ફેક્ટરીમાં કેટલાક કામદારો ફસાયા હોય તે અંગેની જાણ થતાં આ તમામને પણ રેસક્યું કરવામાં આવ્યા હતા.
પલસાણા મામલતદાર એમ.વી. પટેલ જણાવ્યું હતું કે, બત્રીસ ગંગા ખાડીની જળ સપાટી વધતા ટાંકી ફળીયામાં ઘરોમાં પાણી ભરાયા હતા. આથી બારડોલી ફાયર બ્રિગેડની મદદથી તમામનું રેસ્ક્યુ કરી તેમને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે તેમજ તેમની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.