સુરત : સુરતની શેનન ક્રિશ્ચિયન મધ્યમવર્ગીય પરિવારમાંથી છે. તેને ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જવા માટે પૈસાની અછત હતી. ત્યારે પિતા અને કાકાએ લોન લઈને શેનનને ટુર્નામેન્ટમાં મોકલી હતી. જ્યાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. શેનનની સફળતાની વાત તેના નાનપણથી શરુ થાય છે. જ્યારે શેનને બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું ત્યારે સૂરત શહેરમાં બેડમિન્ટન રમવા માટે પૂરતી સુવિધાઓ ન હતી. જેથી તે સો કિલોમીટર દૂર વલસાડમાં જઈને પ્રેક્ટિસ કરતી હતી. બેડમિન્ટન કોર્ટ પર્યાપ્ત ન હોવાના કારણે અને ખર્ચાળ હોવાથી તેને બેડમિન્ટન ગ્રાઉન્ડ પર રમી પ્રેક્ટિસ કરી હતી. ત્યારે જમીની પરિશ્રમના કારણે શેનન 100થી વધુ નેશનલ અને 20થી વધુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ મેડલ લઈ આવી છે.
બેસ્ટ વુમન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ : 28 વર્ષની શેનન ક્રિશ્ચિયન જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેણે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. માતાપિતાની એકમાત્ર દીકરી શેનનને નાનપણથી જ બેટમિન્ટન રમવામાં રુચિ હતી. પરિવારમાં પિતા અને કાકા બંને કરાટે રમત હતાં, પરંતુ શેનનને બેડમિન્ટનમાં વધારે રસ હતો. હાલમાં જ ચંદીગઢ ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રીઝનલ સ્પોર્ટ્સ બોર્ડ અમદાવાદ તરફથી રમતી, ઓડિટ જનરલ અમદાવાદ ખાતે ફરજ બજાવતી સુરતની શેનન ક્રિશ્ચિયને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટૂર્નામેન્ટમાં બેસ્ટ વુમન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મેળવ્યો હતો. વુમન સિંગલ્સની ફાઇનલમાં શેનને પિન્કી કારકીને 21-11, 21-12થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વુમન ડબલ્સમાં શેનન અને નિકિતાની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.
છેલ્લા 10 વર્ષથી સ્ટેટ ચેમ્પિયન : શેનન અમદાવાદમાં ઓડિટ જનરલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. શેનનને સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળી છે. તે બેડમિન્ટન ક્ષેત્રમાં આગળ રમવા માંગે છે અને છેલ્લા 10 વર્ષથી સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકી છે. જ્યારે વલસાડના અતુલમાં નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેણે ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં તેણીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, અત્યાર સુધી, તે 100થી વધુ રાષ્ટ્રીય અને 20 આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી ચુકી છે. સારા પ્રદર્શન સાથે તેના રેન્કિંગમાં સુધારો કરવા અને વિશ્વના ટોચના 100 ખેલાડીઓમાં પોતાનું સ્થાન મેળવવા માંગે છે.
એકવાર મલેશિયામાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાંથી પસંદ કરવામાં આવી હતી ત્યારે ઘણો ખર્ચ થયો હતો. પરંતુ પરિવારના સભ્યોએ લોન લઈને મને મોકલી હતી. સુરતમાં સ્ટેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી અને તે સમયે હું નંબર વન સીટ માટે સેમીફાઈનલ રમતી હતી. જ્યારે 19-15નો સ્કોર કર્યો ત્યારે મારા પગની એન્કલ વળી ગઇં. તે પછી મેં થોડીવાર માટે રેસ્ટ કરી રિકવર થઇ. એ પછી પણ મેં આખી રમત રમી અને ટુર્નામેન્ટ જીતી ત્યાર બાદ બે ટુર્નામેન્ટ યોજાઈ હતી. અમારા વિભાગની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે સિંગલ્સમાં ગોલ્ડ મેડલ અને ડબલ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. બેડમિન્ટન એક એવી રમત છે જેમાં શટલકોક્સ અને રોકેટ ખૂબ ખર્ચાળ છે અને અન્ય સાધનો પણ ખૂબ જ મોંઘા છે. તેમાં મને ઘણી મદદ મળી છે...શેનન ક્રિશ્ચિયન (આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી)
પરિવારે માનસિક અને આર્થિક મદદ કરી : શેનને જણાવ્યું કે, હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. બેડમિન્ટન એક એવી રમત છે જે મધ્યમ વર્ગના પરિવારના બાળકો સરળતાથી રમી શકતા નથી. કારણ કે તેના સાધનો અને કોચિંગ ખૂબ ખર્ચાળ છે. જોકે મારા પરિવારે મને ઘણી મદદ કરી. આજે હું જ્યાં છું તે મારા પરિવારના કારણે છું. પરિવારે મને માનસિક અને આર્થિક રીતે મદદ કરી. જ્યારે સુરતમાં બેડમિન્ટન કોર્ટની સુવિધા પૂરતી ન હતી ત્યારે મને રમવા માટે વલસાડ મોકલવામાં આવી હતી. હું પ્રેક્ટિસ કરવા વલસાડ જતી હતી,જે સુરતથી 100 કિલોમીટરથી વધુ દૂર છે.
ધીરજની લડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે : શેનનના કાકા તેના ફિટનેસ કોચ પણ છે. જીમી ક્રિશ્ચિયને જણાવ્યું કે જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે સુરતમાં માત્ર બે બેડમિન્ટન કોર્ટ હતાં, જે ક્લબમાં હતી અને ખૂબ ખર્ચાળ હતાં. જેને અમે એફોર્ડ કરી શક્યાં નથી. જેના કારણે અમે બેડમિન્ટન કોર્ટ પર જે ન કરી શક્યા તે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. ઘણી વખત પ્રેક્ટિસ માટે 100 કિલોમીટર દૂર વલસાડ લઈ ગયો છું. હું તેના સંઘર્ષ વિશે એટલું જ કહીશ કે ધીરજની લડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે શરૂઆતના સમયગાળામાં તમને સફળતા મળતી નથી. તેથી તમારે દરેક વસ્તુ પર વિશ્વાસ કરવો જોઈએ.