નવી દિલ્હી : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકર રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસ 28 જુલાઈ, રવિવારે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારપછી સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.
રાતોરાત વધી ફોલોવર્સની સંખ્યા : ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા પહેલા મનુ ભાકરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુલ 161K ફોલોવર્સ હતા. જ્યારે મનુ ભાકરે ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારબાદ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા વધીને 555K થઈ ગઈ છે. ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ મનુ ભાકરને 394K લોકો ફોલો કરવા લાગ્યા છે. હાલમાં 32K લોકો તેને Facebook પર અને 206.9K લોકો X એકાઉન્ટ પર ફોલો કરી રહ્યા છે.
શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા : પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં 221.7 પોઈન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ સાથે મનુ ભાકર શૂટિંગમાં ભારત માટે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.
અભિનંદનનો વરસાદ : મેડલ જીત્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ભારતની મોટી હસ્તીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનુ ભાકર સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન આપ્યા હતા. આ સિવાય ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય મોટી હસ્તીઓએ પણ તેમને અભિનંદન આપ્યા.