નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર મેથ્યુ વેડે શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. 36 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન તેની 166મી ફર્સ્ટ-ક્લાસ મેચ બાદ પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે તસ્માનિયાનું પ્રતિનિધિત્વ કરીને ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.
4 શિલ્ડ ટાઈટલ વિનરઃ હોબાર્ટમાં જન્મેલા મેથ્યુ વેડે વિક્ટોરિયા સાથે 4 શિલ્ડ ટાઈટલ જીત્યા છે, જેમાં બે કેપ્ટન તરીકેનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં, વેડ વ્હાઈટ બોલ ફોર્મેટમાં રમવાનું યથાવત રાખશે. જૂનમાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ માટે તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે.
36 ટેસ્ટ મેચીસઃ મેથ્યુ વેડે તેના પરિવાર અને ફેન્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેના દેશ માટે બેગી ગ્રીન કેપ પહેરવાની યાદગાર ક્ષણોને યાદ કરી. 2012થી 2021 સુધીની કારકિર્દીમાં વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ રમી હતી. વેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ, હું મારા પરિવાર, મારી પત્ની અને બાળકોનો મારી કારકિર્દી દરમિયાન આપેલા બલિદાન માટે આભાર માનું છું કારણ કે મેં રેડ બોલ ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યુ અને વિશ્વભરનો પ્રવાસ ખેડ્યો છે.
બેગી ગ્રીન કેપઃ મેથ્યુ વેડે કહ્યું, મેં લાંબા ફોર્મેટની રમત દ્વારા પૂરી પાડવામાં આવેલ પડકારોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. જો કે હું વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ, પરંતુ મારા દેશ માટે રમતી વખતે બેગી ગ્રીન પહેરવું એ મારી કારકિર્દીની વિશેષતા રહી છે. વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 165 મેચમાં 40.81ની એવરેજથી 9183 રન બનાવ્યા છે.