નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં આજે ડબલ હેડર મુકાબલા થવા જઈ રહ્યા છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. IPL 2024ની આ 28મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં કેકેઆરની કપ્તાની શ્રેયસ ઐયર કરશે જ્યારે કેએલ રાહુલ એલએસજીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જ્યારે કેકેઆર આ મેચમાં ઘરઆંગણાનો ફાયદો ઉઠાવવા માંગશે, તો એલએસજી ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે.
બંને ટીમોની અત્યાર સુધીની સફર પર એક નજર: KKR આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 4 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 3 મેચ જીતી છે અને 1 મેચ હારી છે. હાલ KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. લખનઉની વાત કરીએ તો તેઓ 5 મેચ રમ્યા છે. આ સમયગાળા દરમિયાન, એલએલજીએ 3 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. હાલમાં તે પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
KKR અને LSG હેડ ટુ હેડ: આ બે ટીમોના હેડ ટુ હેડ વિશે વાત કરીએ તો, લખનૌ સુપર જાયન્ટ્સ સંપૂર્ણપણે કોલકાતા નાઈટ રાઈડર્સ પર પ્રભુત્વ ધરાવે છે. આ બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમાઈ છે. લખનઉએ આ ત્રણેય મેચ જીતી છે. KKRની ટીમ એક પણ મેચ જીતી શકી નથી. LSG સામે KKRનો સર્વોચ્ચ સ્કોર 208 છે. તો KKR સામે LSGનો સર્વશ્રેષ્ઠ સ્કોર 210 રન છે.
પીચ રિપોર્ટ: ઈડન ગાર્ડન્સની પીચ બેટ્સમેનોને મદદ કરે છે. આ મેદાન પર ઝડપી આઉટફિલ્ડને કારણે ઝડપથી રન બને છે. આ પીચ પર બોલ સારા બાઉન્સ સાથે બેટમાં આવે છે. આવી સ્થિતિમાં બેટ્સમેન ઝડપ અને બાઉન્સનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ છે. તો સાથે જ ઝડપી બોલરો પણ નવા બોલથી વિકેટ લઈ શકે છે. આ મેદાન પર સ્પિન બોલરોને ઓછી મદદ મળી શકે છે પરંતુ તેઓ જૂના બોલથી વિકેટ પણ લઈ શકે છે.
બંને ટીમના આ ખેલાડીઓ પર રહેશે નજર: કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ ઐયર, સુનીલ નરેલ, ફિલિપ સોલ્ટ અને રિંકુ સિંહ આ મેચમાં રન બનાવતા જોવા મળશે. આ સાથે ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ બેટ અને બોલથી અજાયબી કરી શકે છે. KKR માટે વિકેટ લેવાની જવાબદારી મિશેલ સ્ટાર્ક અને વરુણ ચક્રવર્તી પર રહેશે. લખનૌ વતી ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન બેટથી રન બનાવી શકે છે, જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, અરશદ ખાન અને મયંક યાદવ વિકેટ લેતા જોવા મળી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલિપ સોલ્ટ, સુનિલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.