રાજકોટ: ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે આ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 39.4 ઓવરમાં 122 રનમાં સમેટાઈ ગઈ હતી અને 434 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ હતી.
ભારત માટે ચોથા દિવસની શરૂઆત શુભમન ગિલ અને કુલદીપ યાદવે કરી હતી. ગિલ 65 રન અને કુલદીપ 3 રન સાથે રમવાની શરૂઆત કરી હતી. પ્રથમ સેશનમાં ગિલ 91 રન બનાવીને રનઆઉટ થયો હતો. જે બાદ રજત પાટીદાર પણ જલ્દી આઉટ થઇ ગયા હતા. કુલદીપ યાદવે 27 રન બનાવતા ભારતે તેની ત્રીજી વિકેટ ગુમાવી હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ લઈને ભારત સાથે સત્ર શેર કર્યું કારણ કે યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને રનની ગતિ રોકવા દીધી ન હતી અને પ્રથમ સત્રના અંત સુધીમાં 82 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ બીજા સેશનને સંપૂર્ણપણે કબજે કરી લીધું હતું. આ સત્રમાં યશસ્વી જયસ્વાલે સરફરાઝ સાથે મળીને 4 વિકેટના નુકસાન પર ભારતની ઇનિંગને 430 રન સુધી પહોંચાડી દીધી હતી અને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી યશસ્વીએ બેવડી સદી ફટકારી હતી. તેણે 214 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગમાં તેણે 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. જ્યારે સરફરાઝ ખાને 68 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સરફરાઝે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજા સત્રના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 8.2 ઓવરમાં 18 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્રીજું સત્ર સંપૂર્ણપણે ભારતના નામે રહ્યું હતું અને આ સત્રના અંત સુધીમાં રવિન્દ્ર જાડેજાની 5 વિકેટના કારણે ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ 557 રનનો પીછો કરતી વખતે સંપૂર્ણ રીતે ખોવાઈ ગઈ હતી અને માત્ર 122 રનમાં જ પડી ગઈ હતી. ફાસ્ટ બોલર માર્ક વુડ સિવાય ઈંગ્લેન્ડ તરફથી કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ માટે જેક ક્રોલી (11), બેન ડકેટ (4), ઓલી પોપ (1), જો રૂટ (7), જોની બેરસ્ટો (4), બેન સ્ટોક્સ (15), બેન ફોક્સ (16), રીહાન અહેમદ (0) , ટોમ હાર્ટલી (16), માર્ક વુડ (33) અને જેમ્સ એન્ડરસન માત્ર 1 રન બનાવી શક્યા હતા. આ સાથે ભારતે 362 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી.